જામનગર શહેરમાં ગઇકાલે શહેરીજનોએ પતંગ મહોત્સવની મજા માણી હતી. તો બીજીતરફ પક્ષીઓ પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા હતાં. જેની વન વિભાગ સહિતની ટીમો દ્વારા પક્ષીઓનું રેસ્ક્યૂ કરી સારવાર આપવામાં આવી હતી. જામનગરમાં અંદાજિત 35થી વધુ પક્ષીઓ ઘાયલ થતાં તેમને સારવાર આપવામાં આવી હતી.
શહેરીજનોએ ગઇકાલે પતંગોત્સવ ઉજવ્યો હતો. શહેરીજનોની ઉત્તરાયણની ઉજવણીમાં પક્ષીઓ ભોગ બન્યા હતાં. જામનગર શહેરમાં પતંગને કારણે કેટલાંક પક્ષીઓની પાંખો કપાઇ હતી અને ઇજાગ્રસ્ત બન્યા હતાં. જામનગર શહેરમાં પક્ષીપ્રેમીઓ તેમજ વન વિભાગ સહિતની અનેક સંસ્થાઓ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. પવનચક્કી પાસે પ્રકૃતિ મિત્ર મંડળ, મરિન નેશનલ પાર્ક તથા વન વિભાગ દ્વારા પતંગની દોરમાં ઇજા પામનાર પક્ષીઓ માટે રેસ્ક્યૂ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કબૂતર, હોલો, લેલાળા સહિતના પક્ષીઓ ઇજાગ્રસ્ત થતાં તેમને પ્રાથમિક સારવાર આપી પક્ષી માટેની હોસ્પિટલ ઠેબા ખાતે પહોંચતાં કરવામાં આવ્યા હતાં. આ સારવાર કેમ્પમાં મયૂર નાખવા, મનિષ ત્રિવેદી, ભૌતિક સંઘાણી, સૂઝન ફળદુ, ભાવેશ પઢીયાર, પ્રકાશ અમરણીયા, જતીન ત્રિવેદી સહિતના પ્રકૃત્તિ મિત્રોએ સેવા આપી હતી.
આ ઉપરાંત જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ નજીક જામનગર વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવારનો કેમ્પ યોજાયો હતો. જેમાં જીવ સેવા ફાઉન્ડેશન સહિતના દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.