ખંભાળિયા પંથકમાં છૂપી રીતે વ્યાપક પ્રમાણમાં વેચાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના કાળા કારોબારને પોલીસે ધ્વસ્ત કરી, છેલ્લા કેટલાક દિવસોથી અવિરત રીતે ઝુંબેશ ચલાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ખંભાળિયા સહિત જિલ્લામાં હેલ્થ ટોનિકની આડમાં વેચાતા અનધિકૃત મનાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપ સામે ખંભાળિયા પોલીસ, એલ.સી.બી. પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે સઘન કામગીરી કરી છે.
આ કામગીરી દરમિયાન ગઈકાલે સાંજે ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં ચોખંડા-બજાણા રોડ ઉપર રહેતા અને કોચિંગ ચલાવતા સામત ખીમા જામ નામના શખ્સ દ્વારા આલ્કોહોલ મિશ્રિત સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી. વિભાગના એએસઆઈ રાજભા જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કાનાભાઈ લુણાને મળતા આ સ્થળે દરોડો પાડી, ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની દુકાનમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી-જુદી બે કંપનીની કુલ 3,080 બોટલ સિરપની સાંપળી હતી.
આથી પોલીસે કુલ રૂપિયા 4,62,000 ની કિંમતની 3080 આયુર્વેદિક સીરપનો જથ્થો સીઆરપીસી કલમ 102 હેઠળ કબજે લઈ, આરોપી સામાત ખીમા જામની પૂછતાછ હાથ ધરી છે.
આ સાથે ખંભાળિયા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. વિભાગના કિશોરસિંહ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની રૂપિયા 13,450 ની કિંમતની આયુર્વેદિક સીરપની 90 બોટલ કબજે કરી, સીઆરપીસી કલમ 102 હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
આમ, ગઈકાલે ખંભાળિયાના ઈન્ચાર્જ એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા એસ.ઓ.જી. પોલીસને સાથે રાખીને જુદા-જુદા બે વિસ્તારોમાંથી કુલ રૂપિયા 4,75,450 ની કિંમતની 3170 બોટલ આલ્કોહોલ મિશ્રિત સીરપનો જથ્થો કબજે લઈ, ધોરણસર કાર્યવાહી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી અહીંની પોલીસ દ્વારા આજ સુધી નશાકારક આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક હેલ્થ ટોનિકની જુદી જુદી બ્રાન્ડની રૂ. 35,91,871 ની કિંમતની કુલ 22,071 બોટલનો તોતિંગ જથ્થો કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, રાયટર શક્તિસિંહ જાડેજા, એ.એસ.આઈ. પ્રવીણભાઈ ગોજીયા, હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, કિશોરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.