આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન સાથે સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નં. 63માં આજે સવારે 10 વાગ્યાથી રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. સાંસદો બેલેટ પેપર દ્વારા રાષ્ટ્રપતિ માટે મતદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ આજે સવારે મતદાન કર્યુ હતું. આજે સંપન્ન થનારા મતદાનનું પરિણામ 21જુલાઇએ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ રપ જુલાઇએ નવા રાષ્ટ્રપતિનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટેની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રની અલગ-અલગ સરકારોમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા સિન્હા 2018માં BJPથી અલગ થયા હતા. બાદમાં તેઓ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા ટીએમસી છોડી દીધી હતી.
આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગઉઅના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મતોની દ્રષ્ટિએ મજબૂત નજર આવી રહ્યો છે. સત્તાધારી ગઠબંધન સિવાય માત્ર બીજેડી વાયએસઆર કોંગ્રેસ, શિરોમણિ અકાલી દળ જ નહીં વિપક્ષી ટીમની માનવામાં આવતી જેડીએસ, ઝામુમો, શિવસેના અને ટીડીપી જેવી પાર્ટીઓએ પણ સમર્થનનું એલાન કર્યું છે.
લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં હાજરી આપી હતી. જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ સત્તારૂઢ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. જો કે, ચિરાગે કહ્યું કે, મીટિંગમાં આવવાનો અર્થ એ નથી કે તે ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા છે.
આમ આદમી પાર્ટીએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાના સમર્થનન કરવાનો નિર્ણય કર્યો છે. NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કુલ મતોનું મૂલ્ય 10,86,431 છે જેમાંથી મુર્મૂને 6,67,000 મત મળવાની શક્યતા છે. ચૂંટણી આયોગ પ્રમાણે આ વખતે એત સાંસદના મતનું મૂલ્ય 700 છે. છેલ્લી વખતે સાંસદના મતનું મૂલ્ય 708 હતું. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે. ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનું મૂલ્ય 176 અને મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય આખા દેશમાં સૌથી ઓછું છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગથી બચવા માટે પાર્ટીઓના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોને શનિવારે જ બેંગ્લોરની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસ પાર્ટીએ તેના 11માંથી 5 ધારાસભ્યોને ચેન્નાઈ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. બંગાળમાં પણ ભાજપે પોતાના ધારાસભ્યોને હોટલમાં રાખ્યા હતા.