જામનગર શહેરના રાજમાર્ગો પર લુખ્ખા અને આવારા તત્વો દ્વારા વાહન અથડાવવાની નજીવી બાબતે સામેવાળા વાહનચાલકને ડરાવી ધમકાવી નુકસાન ન થયું હોય છતાં રૂપિયા ખંખેરતી ગેંગ વધુ એક વખત એકટીવ થઈ ગઇ છે. જેમાં બુધવારે શહેરના પોશ વિસ્તાર એવા વિરલબાગ નજીક લુખ્ખા તત્વોએ આગળ જતા સામાન્ય શહેરીજનના બાઈક સાથે અથડાવી બાઈકચાલકને ધાકધમકી આપી પૈસા પડાવ્યા હતાં. આવા લુખ્ખા તત્વો સામે પોલીસ અધિક્ષકે કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઇ છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં અગાઉ વાહન અથડાવવાની બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ધાકધમકી આપી શહેરીજનોે પાસેથી લુખ્ખાગીરી કરીને પૈસા પડાવતી ગેંગ એકટીવ થઇ ગઇ હતી પરંતુ થોડો સમય શાંત રહ્યા બાદ ફરી આ ગેંગે એકટીવ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં બુધવારે શહેરના પોશ વિસ્તાર એવા વિરલ બાગ નજીકથી પસાર થતા એક શહેરીજનના બાઈકને પાછળથી આવી રહેલી લુખ્ખા તત્વોની બાઈકે ઠોકર મારી હતી. ત્યારબાદ આ તત્વો દ્વારા બાઈકચાલકને ધાકધમકી આપી અપશબ્દો બોલી બાઈકની ચાવી ઝુટવી લીધી હતી. તેમજ બાઈકચાલક પાસેથી અકસ્માત પેટે મોટી રકમની માંગણી કરી હતી. જ્યારે બાઈકસવારે શાંતિપૂર્ણ વાતચીત કરતા આ લુખ્ખા તત્વોએ સમાધાન પેટે રકમ લઇ લીધી હતી અને ત્યારબાદ બાઈકની ચાવી પાછી આપી હતી.
ત્યારબાદ લુખ્ખા તત્વોને ફરીથી જુસ્સો ચડતા તેઓએ અપશબ્દો બોલી ધમકી આપતા બાઈકચાલકે હિમ્મતદાખવી નંબર પ્લેટ વગરની બાઈકના તથા ચેસીસના ફોટા પાડતા લુખ્ખા તત્વોએ શહેરીજનનો ફોન ઝુંટવી લીધો હતો. જો કે શહેરીજને પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરતા લુખ્ખા તત્વો ચાલ્યા ગયા હતાં. જો કે આ ઘટના સામાન્ય નથી. અવાર-નવાર આવી ઘટનાઓનો ભોગ શહેરીજન બનતા હોય છે અને શહેરમાં રહેતા પ્રતિષ્ઠીત નાગરિકો આવી લુખ્ખાગીરીનો ભોગ બને છે પરંતુ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. અગાઉ પણ આવી લુખ્ખા ગેંગ એકટીવ થઈ હતી અને ત્યારબાદ થોડો સમય આવી ઘટનાઓ અટકી ગઈ હતી. પરંતુ બુધવારે ફરીથી આવી ઘટના બની છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ આવા લુખ્ખા તત્વોની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનો ભોગ સામાન્ય શહેરીજનોને બનવું ન પડે તેવી લોકમાંગણી ઉઠી રહી છે.