કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને મંત્ર આપ્યો કે, જો તેઓ બૂથ જીતશે તો જ તેઓ ચૂંટણી જીતશે. પીએમએ કહ્યું કે, એક શિસ્તબદ્ધ કાર્યકર હોવાને કારણે હું તમારા બધા કાર્યકરો અને જનતાની મુલાકાત લેવા પણ આવું છું. રાજ્યમાં પ્રચાર કરી રહેલા ભાજપના નેતાઓ જણાવે છે કે પ્રચાર દરમિયાન તેમને લોકો તરફથી કેટલો પ્રેમ મળે છે.
આ લોકોનો ભાજપ પરનો અતૂટ વિશ્ર્વાસ દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું કે, ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે સૌથી મોટો તફાવત અભિગમ છે. આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા હડપ કરવાનો છે. આપણો એજન્ડા આગામી 25 વર્ષમાં દેશનો વિકાસ કરવાનો, તેને ગરીબીમાંથી મુક્ત કરવાનો અને યુવાનોની ક્ષમતાને આગળ વધારવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારત વિશ્ર્વભરના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે અને ડબલ એન્જિન સરકારને કારણે કર્ણાટક સરકારને તેનો મોટો ફાયદો મળ્યો છે. જો વિરોધીઓની સરકાર અહીં આવશે તો કેન્દ્ર સરકાર સાથે દરેક મુદ્દા પર લડતી રહેશે, તે તેની રાજનીતિ કરતી રહેશે અને તમામ પ્રોજેક્ટને લટકાવીને રાખશે.