પ્રધાનમંત્રી મોદીએ ગઇકાલે રાત્રે પોતાના મતક્ષેત્ર વારાણસીમાં મોડી રાત્રે એક નવનિર્મિત બ્રીજનું અચાનક નિરીક્ષણ કર્યુ હતું. થોડા સમય પહેલાં જ તેમના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીએ બ્રિજના નિરીક્ષણથી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. વડાપ્રધાન મોદીનો કાફલો બનારસ લોકોમેટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો હતો, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ પોતાના કાફલાને શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર રોકીને ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ વડાપ્રધાન મોદી રાત્રે ઇકઠ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. નોંધનીય છે કે વડાપ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન થોડાદિવસો પહેલા જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. વડાપ્રધાન મોદીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.