જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાં દિવસોથી મોબાઇલ ચોર ટોળકી સક્રિય બની હોવાનું જાણવા મળે છે. આ ટોળકી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જુદાં-જુદાં સ્થળોએથી મોબાઇલ ચોરીના બનાવો વધી ગયા છે. જેમાં કાલાવડ તાલુકાના રણુજામાં રામદેવપીરના મંદિરે ભરાતા લોકમેળામાં ભરવા ગયેલા પ્રૌઢનો મોબાઇલ તથા જોડિયા તાલુકાના પીઠડ ગામમાં વાડી વિસ્તારમાં ચાર્જીંગમાં મુકેલો મોબાઇલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
છેલ્લાં 10 -12 દિવસથી જામનગર શહેર અને જિલ્લામાં મોબાઇલ ચોર ટોળકી સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે. આ ટોળકી દ્વારા શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભીડભાડવાળા સ્થળે લોકોના મોબાઇલની ચોરી તથા વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોના મોબાઇલની ચોરીની ઘટનાઓ એક પછી એક બનતી જાય છે. આ ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રણુજામાં રામદેવપીરના મંદિરે ભરાતા લોક મેળામાં સાગર ચાવડા તથા તેના પિતા ચંદુલાલભાઈ ચાવડા બંને ફરવા ગયા હતાં અને આ ભીડભાડવાળા મેળામાં ગેરલાભ ઉઠાવી પ્રૌઢના શર્ટના ઉપરના ખીસ્સામાં રાખેલો રૂા.9,160 ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે સાગર દ્વારા જાણ કરાતા હેકો પી.એન. સોઢા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં સીમમાં આવેલી જીવરાજભાઈ નેસડિયાની વાડીમાં મજૂરી કામ કરતા નેજુભાઈ મેડા નામના આદિવાસી યુવાને ગત તા.4 ના રોજ સાંજના સમયે તેની ઓરડીમાં ચાર્જીંગમાં રાખેલો રૂા.8500 ની કિંમતનો મોબાઇલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની જાણ કરાતા હેકો વી.વી.બકુત્રા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.