જામનગરમાં અંબર ચોકડી નજીક રાત્રિના સમયે એકટીવા પર પસાર થતા દંપતીના બાજુમાં બાઈક પર આવી મહિલાના હાથમાંથી 10 હજારનો મોબાઇલ ઝુંટવી લઇ નાશી ગયાના બનાવમાં પોલીસે બે અજાણ્યા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જીવસાતાના ડેલા પાસે સેતાવાડમાં રહેતાં જય ભૂપેન્દ્રભાઈ ચરાડવા અને તેની પત્ની સપનાબેન ગુરૂવારે રાત્રિના સમયે તેના જીજે-10-સીઆર-508 નંબરના એકટીવા પર અંબર ચોકડી પાસેથી પસાર થતા હતાં ત્યારે બે અજાણ્યા બાઇકસવારોએ દંપતીના એકટીવા નજીક આવીને પાછળ બેસેલા સપનાબેનના હાથમાં રહેલો રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન બાઈકમાંથી પાછળ બેસેલા શખ્સે બળજબરીથી ચીલઝડપ કરી ગણતરીની સેકન્ડોમાં જ પલાયન થઈ ગયા હતાં. મહિલાએ બુમાબુમ કરી હતી પરંતુ તસ્કરો નાશી ગયા હતાં. બાદમાં આ બનાવ અંગે જય સોની દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે બે અજાણ્યા બાઈકસવારો વિરૂધ્ધ ચીલઝડપનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.