વિશ્ર્વમાં બ્રાસસીટી તરીકે પ્રખ્યાત અને પ્રાચિન તથા પ્રસિધ્ધ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર રંગમતિ અને નાગમતિ નદીના કિનારે વસેલા શહેરમાં ચોમાસા દરમિયાન નદી અને ડેમ ઓવરફલો થવાથી વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા હોય જેના કારણે લોકોના જાનમાલને ભારે નુકસાન થતું હોય છે. વર્ષોથી અવિરત રહેલી સમસ્યાના નિરાકરણ માટે ઉત્તર ધારાસભ્ય દ્વારા રંગમતિ-નાગમતિના કાંઠા ઉપર રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
128.40 ચો.કિ.મી. નો વિસ્તાર ધરાવતા આશરે સાડા સાત લાખની વસ્તી ધરાવતા જામનગર શહેરના ઈતિહાસ પર્યાવરણ અને આધુનિકતાની અલભ્ય સંગમ છે. 1540 માં રંગમતિ – નાગમતિ નદીના કિનારે જામ રાવલ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. નવાનગર તરીકે ઓળખાતા જામનગરમાં બ્રાસપાર્ટના પાંચ હજારથી વધુ મોટા એકમો હોવાથી બ્રાસસીટી તરીકે પણ ઓળખાય છે. તેમજ શહેરની નજીક વિશ્ર્વની સૌથી મોટી રીલાયન્સ અને એસ્સારની રિફાઈનરીઓને કારણે ઓઇલ સીટી તરીકે પણ જાણીતુ છે. ઉપરાંત શહેરમાં પ્રાચિન અને પ્રસિધ્ધ મંદિરોને કારણે છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં સતત રામધૂન બોલવાનો વિશ્ર્વ રેકોર્ડ ધરાવતા બાલા હનુમાન મંદિર તથા જૈન મંદિરો, સિધ્ધનાથ મહાદેવ, રતનબાઈની મસ્જિદ જેવા અનેક દેવસ્થાનો આવેલા છે તથા રંગબેરંગી બાંધણી અને કંકુ-કાજળ, પકવાન, ગાઠીયા, ઘુઘરા અને કચોરી પણ ફેમસ છે. સંરક્ષણની ત્રણેય એટલે કે હવાઈ દળ, ભૂમિ દળ અને નૌકાદળની પાંખો ના બેઝ સ્ટેશન જામનગરમાં આવેલા છે.
નદી કિનારે વસેલા આ શહેરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે તથા ઉપરવાસના વરસાદના કારણે રંગમતિ ડેમ તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવાથી આ ડેમોના પાણી નદી કાઠાના વિસ્તારોમાં ફરી વળે છે. જેના કારણે લોકોના જાનમાલને ભારે નુકસાન થાય છે. નદીઓના કાંઠા કાચા હોય અને સમયાંતરે ધોવાણ તથા કાંઠાની આસપાસની જગ્યાઓમાં દબાણો અને ગંદકીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
શહેરની સૌથી જટિલ એવી આ સમસ્યાના કાયમી હલ માટે નદીના બંને કાંઠે આરસીસીની દિવાલ મજબુત બનાવી વહેણને ચોખા અને પહોળા કરવા તથા નદીઓમાં ભળતા ગંદા પાણી, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને ફીલ્ટર પ્લાન્ટ વડે શુધ્ધ કરી નદીમાં છોડવા તથા એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા આસપાસના વિસ્તારોમાં લેન્ડસ્કેપ પ્લાનિંગ વડે દબાણ થતા રોકવા જેવા કામો કરવા પડે તેમ છે. અને મહાનગરપાલિકાના અનભુવી ક્ધસલટન્ટ નાયક ઈન્વાયરમેન્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ પુનાને આ કામના ડીટેઇલીંગ સર્વે, એલાયમેન્ટ ડીમાર્કેશન, એન્ક્રોચમેન્ટ સર્વે તથા ફીઝીબીલી રીપોર્ટ રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જે અન્વયે પાણીના સેમ્પલ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વેસ્ટ રિપોર્ટ તથા ક્ધસલટન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનના આધારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરી વિસ્તારમાંથી પસાર થતી રંગમતિ રીવર રૂા.500 કરોડ અને નાગમતિ રીવરના રૂા.200 કરોડ મળી કુલ રૂા.700 કરોડનો રીવરફ્રન્ટ પ્રોજેકટમાં દર વર્ષે રૂા.150 કરોડ ફાળવવામાં આવે તો તબકકાવાર શહેરના આ અમુલ્ય પ્રોજેકટને કારણે શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ માટેના પ્રોજેકટને મંજૂર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.