જામજોધપુર-લાલપુર તાલુકામાં રોડ-રસ્તાઓની હાલત બિસ્માર હોય, આ અંગે ધારાસભ્ય હેમત ખવા દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજરોજ ગ્રામજનોને સાથે રાખી જનઆક્રોશ રેલી યોજી, પ્રાંત કચેરી, લાલપુરને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવતાં લાલપુર પોલીસ દ્વારા ધારાસભ્ય હેમત ખવા સહિત અનેક લોકોની અટકાયત કરી હતી.
જામજોધપુર-લાલપુર તાલુકામાં રોડ-રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોય, આ અંગે ધારાસભ્ય હેમત ખવા દ્વારા મુખ્યમંત્રી સહિતનાને રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હતો. તેમજ સરકાર દ્વારા 70 જેટલા ધારાસભ્યો પાસે પોતાના મત વિસ્તારના પાંચ કરોડના રોડના કામોના સૂચનો મંગાવવામાં આવ્યા હતાં. તેમાં પણ લાલપુર, જામજોધપુર વિસ્તારની અવગણના કરવામાં આવી હતી. જેને લઇ ધારાસભ્ય હેમત ખવાએ આક્રમક વલણ અપનાવતાં આજરોજ જનસભા સંબોધી તાલુકાના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી જનઆક્રોશ રેલી યોજી હતી.
ધારાસભ્ય દ્વારા પ્રાંત કચેરી, લાલપુરને તાળાબંધી કરવાની ચિમકી આપી હોય, આજે સવારથી જ લાલપુર પ્રાંત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધારાસભ્ય હેમત ખવા દ્વારા તાલુકાના આગેવાનો અને કાર્યકરોને સાથે રોડ-રસ્તાના પ્રશ્ર્ને જનઆક્રોશ રેલી યોજી. આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ કચેરીને તાળાબંધી કરવા જતાં પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતનાની અટકાયત કરી લાલપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતાં.