જામનગરના ધુતારપુર-ધુડશીયામાં પાસ કન્વિનર અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ પાસ કન્વિનર અંકિત ધાડીયા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સભામાં વિવાદાસ્પદ ભાષણ અંગે કેસ દાખલ થયો હતો. આ કેસમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ પાસ કન્વિનર અંકિત ધાડીયાને નિર્દોષ છોડી મૂકવા અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, તા. 4-11-2017ના રોજ પાસ કન્વિનર હાર્દિક પટેલ તથા પાસ કન્વિનર અંકિત નારણભાઇ ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધુળશીયા ગામે દયાળજી મોહનભાઇ ભીમાણીની વાડીએ પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે સભાનું આયોજન કર્યું હોય, જે સભામાં લાઉડ સ્પિકર, વિડીયોગ્રાફી, પંચો, સાહેદો વિગેરેના આધારે વિવાદાસ્પદ ભાષણ અંગે સભાના આયોજન વિરુધ્ધ તા. 12-1-2018ના રોજ જામનગર પંચ-એ પો.સ્ટે.માં ઉપરોક્ત બાબતે હાર્દિક ભરતભાઇ પટેલ તથા અંકિત નારણભાઇ ઘાડીયા વિરુધ્ધ જીપી એકટની કલમ-36(3) તથા 72(2) તથા કલમ-134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં હાર્દિક પટેલ તથા અંકિત ઘાડીયા વિરુધ્ધ ચોથા એડી. ચીફ જ્યુડી. મેજી. એમ.ડી. નંદાણીની કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી મુદ્તોમાં સર્કલ ઓફિસર તથા પંચો, સાહેદો તથા વિડીયોગ્રાફર, ડીવીડી, સીડી વિગેરે તપાસેલ હતા ત્યારબાદ આરોપીના વકીલો દ્વારા દલીલ કરવામાં આવેલ હતી અને ઉપરોક્ત આરોપીઓ હાર્દિક પટેલ તથા અંકિત ઘાડીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
જે તે વખતે આ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ હતો. જે કેસમાં હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા અંકિત ઘાડીયાનો નિર્દોષ છૂટકારો થયો છે. આ કેસમાં આરોપી તરફે વકીલ દિનેશભાઇ વિરાણી તથા રસીદભાઇ ખીરા રોકાયા હતાં.