જામનગરમાં ગોકુલનગરમાં રહેતી સગીરાએ ઝેરી પ્રવાહી પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર, અયોઘ્યાનગરની શેરી નંબર 13માં રહેતી અવનિબેન કારૂભાઇ બેલા (ઉ.વ.16) નામની સગીરા ગઇકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં ઘરેથી બહાર જવાનું કહી બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ ઘરે પરત આવીને સૂઇ ગઇ હતી. ત્યારબાદ તેને ઉલ્ટી-ઉબકા આવતા હોય 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ કોઇ ઝેરી પ્રવાહી પી લીધું હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા કારૂભાઇ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સિટી ‘સી’ પોલીસ સ્ટેશનના એએસઆઇ ટી. કે. ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


