કાલાવડ ખાતે સમસ્ત મેઘવાળ સમૂહ લગ્ન સમિતિ તથા મેઘઘારું ચેરીટેબલ ટ્રસ્ટ કાલાવડ, ધ્રોલ, જોડિયા તથા જામનગર દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડી રહેલ 31 નવદંપતીઓને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે સમાજના છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે અને આ યોજનાઓના લાભો સરળતાથી સમાજના નાગરિકોને મળી રહે તે માટે તમામ યોજનાઓમાં 70 જેટલા ફેરફારો કરીને છેવાડાના માનવીનું ઉત્થાન થાય તેની સરકારે દરકાર લીધી છે. લોકોનો સમય ઓછો બગડે, ખર્ચ ઓછો થાય અને વધુ લાભો મળે તે દિશામાં સરકારના હર હંમેશા પ્રયત્નો રહ્યા છે. નાગરિકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ આપવા સરકાર તૈયાર છે તેમ જણાવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની ઉપસ્થિત સૌ કોઈને મંત્રીએ માહિતી આપી હતી.
આ પ્રસંગે શંભુનાથ બાપુ, પૂર્વ મંત્રીઅને ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ પૂર્વ મંત્રીઅને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમૂહ લગ્નમાં ભોજનના તમામ ખર્ચનો સહયોગ આપવાની જાહેરાત કરાઇ હતી.
આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ પાંચ લાભાર્થીઓને રૂ. ૫ લાખ, માઇ રમાબાઇ સાત ફેરા સમુહ લગ્ન યોજના અન્વયે આયોજક સંસ્થાને એક યુગલ દીઠ ત્રણ હજાર લેખે રૂ. ૭૫ હજાર, માઇ રમાબાઇ સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં જોડાયેલ ૩૧ યુગલોને રૂ.૧૨ હજાર લેખે ૩.૭૨ લાખ, કુંવરબાઈનું મામેરું યોજના અન્વયે દરેક યુગલને ૧૨ હજાર લેખે રૂ. ૩.૭૨ લાખ તેમજ ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂ. ૨.૪૦ લાખની સહાય મળી કુલ ૧૫.૫૯ લાખના સહાય મંજુરી પત્રોનું મંત્રી પ્રદીપ પરમારના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે શંભુનાથ બાપુ, માધવદાસ બાપુ, અર્જૂનદાસ બાપુ સહિત સંતો મહંતો, પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, જગદીશસિંહ ધર્મેન્દ્રસિહ જાડેજા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સમૂહ લગ્ન સમિતિના આયોજકમનોજભાઈ પરમાર, સામતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.