કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા ક્લેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જામનગર શહેર તથા જિલ્લાના પાણીના પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. જેમાં મંત્રીએ અધિકારીઓ સાથે તેમને મળેલ નાગરિકોની પાણી અંગેની ફરિયાદો તેમજ પ્રશ્નો વિશે ચર્ચા કરી આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં મંત્રીએ જામનગર મહાનગર પાલિકા તેમજ ધ્રોલ, જોડિયા, જામનગર તથા કાલાવડ તાલુકાના પીવાના પાણીના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં નારણપર, દડીયા, ખીમલીયા, મોટા – નાના થાવરીયા, રાવલસર, જામનગરના વોર્ડ ન. 6, વોર્ડ ન. 11, સપડા, મોડા, જગા, મેડી, લાખા બાવળ, નાઘેડી, મસીતીયા, વરણા, બેડ, ખારાવેઢા, નાની માટલી, વાગડીયા, અલિયા, લૈયારા, બીજલકા, મોટા ગરેડીયા, મજોઠ, માણેકપર, ખેંગારકા, લતીપર, ધૂતારાપર, હરીપર, સહિતના ગામોમાં પીવાના પાણીનો ફોર્સ, નવી પાઇપલાઇનો નાખવી, પાણીનો જથ્થો નિયમિત કરવો, નવી સોસાયટીઓમાં જળ વ્યવસ્થાપન કરવું અને ટેન્કરમાંથી અપાતા પાણીના જથ્થામાં વધારો કરવો, જૂની તથા જર્જરિત પાઇપલાઇનો રીપેર કરવી અથવા નવી નાખવી, નલ સે જલ યોજનાનો વ્યાપ વધારવો સહિતના મુદ્દે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉનાળામાં ઉપરોક્ત ગામોને નિયમિત રીતે પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને નર્મદાનાં નીર સમયસર આ ગામો સુધી પહોંચે તે પ્રકારે કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક નિવાસી ક્લેક્ટર એમ. પી. પંડ્યા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર વસ્તાણી, સર્વે પ્રાંત અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના ચીફ ઈજનેર તેમજ કાર્યપાલક ઇજનેર સહિતના ઉપસ્થિત રહયા હતા.