રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે તે મુજબ રાજ્યમાં 10 જુન બાદ વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે કેરળમાં પણ આ વખતે એક સપ્તાહ વહેલું ચોમાસું બેસશે. 27 મે સુધીમાં કેરળના દરિયા કિનારે ચોમાસું દસ્તક આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 10 જુન બાદ ચોમાસુ બેસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 15 થી 20 જુન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે અંદમાન નિકોબારમાં તો ગઈકાલે એટલે કે 16 મે ના રોજ જ ચોમાસું બેસી ગયું છે. ત્યારે કેરળમાં સમાન્ય રીતે 1 જુન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વર્ષે 27 મે સુધીમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો મુજબ ગુજરાતમાં પણ ચોમાસાની વહેલી શરૂઆતની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. તેમજ રાજ્યના લોકોને પણ કાળઝાળ ગરમી માંથી રાહત મળશે.