Sunday, September 8, 2024
Homeરાજ્યમેર પરિવાર ઉપર હુમલો કરી કાર અને દાગીના મળી રૂા.8.62 લાખની લૂંટ

મેર પરિવાર ઉપર હુમલો કરી કાર અને દાગીના મળી રૂા.8.62 લાખની લૂંટ

25 થી 30 વર્ષના માસ્ક પહેરેલા આઠ લૂંટારૂઓ દ્વારા પિતા-પુત્ર અને પુત્રી ઉપર હુમલો : ત્રણેયને રૂમમાં પૂરી દીધા : 1.5 લાખની કાર અને 5.60 લાખના સોનાના દાગીના મળી રૂા.8.62 લાખની માલમતા લઇ ગયા: પોલીસ દ્વારા નાકાબંધી : હુમલાનો ભોગ બનેલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

- Advertisement -

જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામની સીમમાં આવેલા મેર પરિવારના ખેતરમાં મધ્યરાત્રિના સમયે માસ્ક પહેરેલા આઠ લૂંટારૂઓ ત્રાટકીને પરિવારજનો ઉપર હુમલો કરી ધમકી આપી રૂમમાં પૂરી દઈ અને રૂા.1.50 લાખની કિંમતની કાર અને રૂા.5.60 લાખની કિંમતના 16 તોલા સોનાના દાગીના મળી કુલ રૂા.8,62,000 ની કિંમતની માલમતાની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવ બાદ પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા વિક્રમભાઈ ઓડેદરા નામના મેર પરિવારની વાડીમાં રાત્રિના સમયે આઠ જેટલા 25 થી 30 વર્ષની વયના મોઢે માસ્ક પહેરી ટે્રક અને ટી-શર્ટ પહેરલા લૂટારુ શખ્સોએ ધોકા પાઈપ જેવા હથિયારો વડે મેર પરિવાર પર આડેધડ હુમલો કરી દીધો હતો. જેમાં વાડી માલિક વિક્રમભાઈ ઉપરાંત તેના પુત્ર રામભાઈ (ઉ.વ.21) અને પુત્રી નિરૂબેન (ઉ.વ.22) કે જેઓ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં લાકડાના ધોકા વડે વિક્રમભાઈને મારી ઓસરીમાં ઘાયલ કર્યો ત્યારે તેની પુત્રી નિરૂબેન દોડી આવતા તેમના માથા પર જીવલેણ ઘા માર્યો હતો જ્યારે બાજુના રૂમમાં નિંદ્રાધિન પુત્ર રામ પણ અવાજ સાંભળીને દોડી આવ્યાં હતાં. જેથી લૂંટારૂઓએ હુમલો કરી ભય બતાવી ઘરમાં રોકડા રૂપિયા કયાં રાખ્યા છે. તે બતાવો નહીંતર તમને તમામને પુરા કરી નાખશું તેવી ધમકી આપી એક ઓરડાના લાકડાના કબાટના ખાનામાં રાખેલી રૂપિયા દોઢ લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી.
ત્યારબાદ બે મોબાઇલ ફોન આંચકી લઇ અને વાડીના ફળિયામાં પાર્ક કરેલી કારની ચાવી પણ છીનવી લઇ તમામ લૂંટારૂઓ વાડી માલિક પરિવારને રૂમમાં પૂરી દઇ મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને કારમાં બેસીને ભાગી છૂટયા હતાં. ત્યારબાદ રૂમમાં પૂરાયેલા પરિવારના સભ્યો દ્વારા બુમાબુમ કરાતા ઘણાં સમય બાદ આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યાં હતાં અને બંધ રૂમનો દરવાજો બહારથી ખોલ્યા બાદ લૂંટ અને હુમલાનો ભોગ બનેલા પરિવારજનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં નીરૂબેનની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

વાડી વિસ્તારમાં થયેલી લૂંટ અને હુમલાના બનાવની જાણ થતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હુમલાનો ભોગ બનેલા રામ વિક્રમભાઇ ઓડેદરાના યુવાનના નિવેદનના આધારે રૂા.1.50 લાખની કિંમતની જીજે-12-બીઆર-0407 નંબરની આઈ-20 કાર અને બે હજારની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂા.5.60 લાખની કિંમતનો ચાર તોલાના ત્રણ સોનાના ચેઈન અને ત્રણ તોલાનું એક પેન્ડલ તેમજ આશરે 6 તોલાનું એક મંગલસૂત્ર તેમજ બે તોલાનો હાથનો પંજો અને એક તોલાની બે વીંટી મળી કુલ 16 તોલાના સોનાના દાગીના મળી કુલ રૂા.8,62,000 ની માલમતાની લૂંટ ચલાવ્યાની આશરે 25 થી 30 વર્ષના મોઢે માસ્ક અને ટ્રેક તથા ટીશર્ટ પહેરેલા આઠ લૂંટારૂઓ વિરૂધ્ધ લૂંટ અને હુમલાનો ગુનો નોંધી જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular