જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં રહેતા વૃદ્ધે તેની માનસિક બીમારીથી કંટાળી જઇ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં ગાંધીનગર નજીક આજે સવારે પસાર થતી ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં રહેતા જેન્તીભાઈ ચનાભાઈ કબીરા (ઉ.વ.65) નામના વૃધ્ધે તેની ત્રણ-ચાર માસથી થયેલી માનસિક બીમારીથી કંટાળી જઈ બુધવારે વહેલીસવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કમલેશ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગાંધીનગર નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યાની જાણના આધારે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.