જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોક નજીક રહેતા અને માનસિક તણાવમાં રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર હિરજી મિસ્ત્રી રોડ પરના વિસ્તારમાં નવા બાંધકામ થતા મકાનમાં પાણી છાંટતા સમયે પગ લપસી જતાં નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં હનુમાન ચોકમાં આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતાં કિશોર ગોવાભાઈ ચાવડા (ઉ.વ.45) નામનો યુવાનની માનસિક બીમારીની છેલ્લાં ચાર માસથી સારવાર ચાલતી હતી અને એક માસથી તેની પત્ની માવતરે ચાલી ગઈ હતી. જેથી માનસિક તણાવમાં એકલા રહેતાં યુવાને જિંદગીથી કંટાળી રવિવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જેસાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પરના વિસ્તારમાં નવા બાંધકામ થતા મકાનમાં શનિવારે સવારના સમયે પહેલે માળે દિવાલમાં પાણી છાંટતા સમયે કેસરબહાદુર ધનબહાદુર ખત્રી (ઉ.વ.40) નામના ચોકીદાર યુવાનનો પગ લપસી જતાં નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની હિમબહાદુર દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઇ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પત્ની રીસામણે જતાં માનસિક બીમાર પતિની આત્મહત્યા
એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પાણી છાંટતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત