Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં મેઘરાજાની પ્રથમ જોરદાર બેટિંગ: પાંચ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

ખંભાળિયામાં મેઘરાજાની પ્રથમ જોરદાર બેટિંગ: પાંચ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

ભીમ અગિયારસ પૂર્વે મેઘરાજાની શુકનવંતી મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

- Advertisement -

ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે શુક્રવારથી વિધિવત રીતે જાણે મેઘરાજાનું આગમન થયું હતું.

ખંભાળિયા પંથકમાં ગઈકાલે શુક્રવારે સવારથી મેઘાવી માહોલ સર્જાયો હતો. આ વચ્ચે ગત સાંજે છ વાગ્યા સુધીમાં પ્રથમ અને મુશળધાર ચાર ઈંચ વરસાદ વરસી જવા પામ્યો હતો. આ પછી પણ અવિરત રીતે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા અને ગત રાત્રિના 8 વાગ્યા સુધીમાં પાંચ ઈંચથી વધુ (128 મીમી) પાણી વરસી ગયું હતું. ગઈકાલના પ્રથમ અને નોંધપાત્ર વરસાદના કારણે લોકોમાં રાહત સાથે વિવિઘ પ્રકારે હાલાકી પણ સર્જાઇ હતી.

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારથી કાળઝાળ ગરમીભર્યા માહોલ વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તાલુકામાં બપોરે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયા બાદ બપોરે બે વાગ્યાથી મેઘરાજાનું પ્રથમ આગમન થયું હતું અને ધોધમાર વરસાદ સતત અડધો કલાકથી વધુ સમય પડ્યા પછી પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી શહેરના માર્ગો પર પુર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો (94 મીમી) વરસાદ પડી ગયો હતો. જ્યારે 6 થી 8 દરમ્યાન વધુ 34 મી.મી. પાણી પડી ગયું હતું. મોસમના આ પ્રથમ વરસાદને અબાલ- વૃદ્ધ સૌકોઈએ મનભરીને માણ્યો હતો અને નાહવાનો લહાવો લીધો હતો.

આ નોંધપાત્ર વરસાદના પગલે બપોરથી મોડી સાંજ સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ જતાં શહેરીજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા અને વીજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ સાથે રોષની લાગણી વ્યાપી હતી.    આટલું જ નહીં, અત્રેના પોસ વિસ્તાર એવા રામનાથ સોસાયટીના મેઈન રોડ પર આડેધડ બનાવવામાં આવેલાં સ્પીડ બ્રેકરોને કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો તથા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વીસોત્રી ગામ સંપર્ક વિહોણું બન્યું
મુશળધાર વરસાદના કારણે ખંભાળિયાની ઘી નદી સાથે નદીના વહેણમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા ખંભાળિયા- સલાયા માર્ગ પરના કુબેર વિસોત્રી ગામની નદી બે કાંઠે વહેવા લાગી હતી. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારમાં આશરેેેે ચારથી પાંચ ઈચ જેટલો વરસાદ વરસી જતા વિસોત્રી ગામ ત્રણેક કલાક સુધી સંપર્ક વિહોણું બની ગયું હતું. આ વિસ્તારના ખેતરો પાણીથી તરબતર બની ગયા હતા.

નિર્માણાધીન નેશનલ હાઈ-વેના અધુરા કામથી વાહન ચાલકોની હાડમારી બેવડાઈ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામથી કુરંગા સુધી હાલ ફોર-લેન માર્ગના નિર્માણનું કામ ચાલી રહ્યું છ ખંભાળિયા નજીક લાલપુર બાયપાસ પાસે બની રહેલા ઓવર બ્રીજ, સિંહણ ડેમ પાસેના પુલ, અહીંના ખંભાળિયા સલાયા ચોકડી પાસેનો માર્ગ, ઉપરાંત ખંભાળિયા- દ્વારકા માર્ગ પર આવેલા વડત્રા ગામ પાસેના ડાઈવર્ઝન સહિતના જુદા જુદા સ્થળોએ આ વરસાદના કારણે પાણી ભરાતા અગાઉથી હાડમારી ભોગવી રહેલા વાહનચાલકો અધૂરા કામ તથા પાણીના ખાબોચિયા વિગેરેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.વરસાદના કારણે ગત સાંજે શહેરમાં સ્ટ્રીટ લાઈટો તથા અનેક વિસ્તારોમાં વીજ વિક્ષેપ સર્જાતા નગરજનોએ હાલાકીનો સામનો કર્યો હતો.

શહેરમાં અનેક સ્થળોએ ગટર ઓવરફ્લો
ખંભાળિયા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે હજુ સુધી સંપૂર્ણપણે કાર્યરત થઇ નથી. અપૂર્ણ મનાતી આ યોજનાના કારણે શહેરની વર્તમાન ગટર તથા ભૂગર્ભ ગટર યોજનામાં કચરાના ગંજ ભરાઈ ગયા હતા. જેના કારણે આ ગટરો ઓવરફ્લો થઈ ગઈ હતી.

ભાણવડ તાલુકામાં ઝાપટા રૂપે વરસાદ
ગઈકાલે જિલ્લાના ભાણવડ તાલુકામાં સવારે તથા સાંજે અવારનવાર વળવા તથા ભારે ઝાપટા વરસ્યા હતા અને દિવસ દરમ્યાન છ મિલીમીટર પાણી વરસી ગયું હતું. જ્યારે જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં હળવા છાંટા વચ્ચે મેઘરાજાએ માત્ર હાઉકલી કરી હતી.    ખંભાળિયા પંથકમાં આજે પણ સવારથી વાદળોની જમાવટ વચ્ચે સવારે શહેરમાં હળવું ઝાપટું વરસી ગયું હતું. ભીમ અગિયારસ પૂર્વે શુકનવંતી આ મેઘ સવારીએ ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દીધા છે. નોંધપાત્ર વરસાદથી વાતાવરણ સાથે લોકોના હૈયામાં પણ ટાઢક પ્રસરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular