જામનગર શહેરના બેડી વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર આજે સવારેથી જ સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. મેગા ડિમોલીશન જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને એસ્ટેટ શાખા સહિતના વિભાગો દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ સાયચા બંધુઓના ગેરકાયદેસર દબાણો દૂર કરી બે કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરવા માટે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા પંદર જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી અને તેમના દ્વારા ગેરકાયદેસર કરાયેલા બાંધકામો તોડી પાડવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ આજે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કોઇ વિક્ષેપ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કામગીરી જિલ્લા કલેકટર કેતન ઠકકરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સંયુકત રીતે કરવામાં આવી હતી. સવારથી જ બેડીમાં પોલીસ કાફલો બંદોબસ્ત માટે પહોંચી ગયો હતો અને ત્યારબાદ ગુનેગારો દ્વારા કરાયેલા દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પણ આ મેગા ડિમોલીશનમાં સાથે રહી હતી. અગાઉ પોલીસ અધિક્ષક દ્વારા રાજ્યના પોલીસ મહાનિર્દેશકે આપેલા આદેશ મુજબ જામનગર જિલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી ઉપરાંત આવા અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતાં. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા મહાનગરપાલિકા દ્વારા સંયુકત મેગા ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણોમાં નુરમામદ હાજી સાયચા તથા ઈસ્માઇલ ઈબ્રાહિમ મોવર અને હાજી હુશેન સાયચા તથા ફારુક હુશેન સાયચા તેમજ એઝાજ ઉમર સાયચા, બસીર જુસબ સાયચા તથા અકબર મામદ સાયચા, સુલતાન મામદ સાયચાના ગેરકાયદેસર બાંધકામો સંદર્ભે નોટિસ ફટકાર્યા બાદ આજે ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1688 ચો.મીટરમાં ખડકાયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર બાંધકામની કિંમત આશરે બે કરોડથી વધુ આંકવામાં આવી છે. પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલીશનથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


