જામનગરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ રહયા છે. વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સહયોગ સાધી ઝુંબેશ હાથ ધરી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન કન્યા છાત્રાલય ખાતે વિસ્તારના 400થી વધુ લોકોને તેમજ જૈન સોશ્યલ ગ્રુપ જામનગર, નવાનગર અને સંગીની ફોરમ, નવાનગર તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે 300થી વધુ લોકોને કોરોના વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તારના 45 વર્ષથી વધુના લોકોને રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે જામનગરના જૈન કન્યા છાત્રાલય અને ખાતે 400 થી વધુ અને લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે 300થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેના આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ રસી લે પોતે પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ અનુરોધ કર્યો હતો.
મેયર બીનાબેન કોઠારીએ જામનગરના લોકોને આ સમગ્ર આયોજનનો લાભ લઇ, રસી લઇ પોતાને સુરક્ષિત કરવા માટે અપીલ સહ કહ્યું હતું કે, કોઈપણ જાતના ડર વગર લોકો રસીકરણ ઝુંબેશમાં જોડાય અને કોરોનાને હરાવવામાં સહયોગ આપે ત્યારે જ જીતશે જામનગર અને હારશે કોરોના.
આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટરઓ, જૈન સોશ્યલ ગ્રુપ જામનગર નવાનગરના પ્રમુખ મુકેશભાઈ સુતરીયા, સેક્રેટરી મુગટ શાહ અને જોઇન્ટ સેક્રેટરી સુનિતાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.