જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા વૃધ્ધા અને તેની પુત્રી તથા દોહિત્રી ત્રણેય ભાણવડના દાતારવાડી વિસ્તારમાં તેમના સંબંધીને ત્યાં રોકાવા ગયા હતાં તે દરમિયાન સોમવારે વહેલીસવારના સમયે સામૂહિક દવા ગટગટાવી આપઘાત કર્યાના અરેરાટીજનક બનાવમાં ત્રણેયે આર્થિક સંકળામણથી કંટાળીને જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં અકબરશા પીર દરગાહની બાજુમાં રહેતાં જેનમબેન કાસમભાઈ સરવાણિયા (ઉ.વ.63) નામના વૃદ્ધા અને તેની પુત્રી નુરજહાબાનુ નુરમામદ શેખ (ઉ.વ.42) તથા દોહિત્રી સાહિસ્તા નુરમામદ શેખ (ઉ.વ.18) નામના ત્રણેય વ્યકિતઓ એક સપ્તાહ પૂર્વે દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં આવેલા દાતારવાડી વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં રોકાવા ગયા હતાં તે દરમિયાન સોમવારે વહેલીસવારના સમયે કોઇ કારણસર જેનમબેન, નુરજહાબાનુ અને સાહિસ્તા ત્રણેયએ એક સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. આ અંગેની જાણના આધારે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટનાસ્થળે પોલીસે ત્રણેયના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે હોસ્પિટલે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. માતા-પુત્રી અને દોહિત્રીના સામુહિક આપઘાત પ્રકરણમાં પોલીસના પ્રાથમિક તારણમાં ત્રણેય આર્થિક સંકળામણથી જિંદગી ટૂંકાવી હોવાનું ખુલ્યુ હતું. એક સાથે ત્રણ-ત્રણ પેઢીએ સામુહિક આપઘાતની ઘટનાથી હાલારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્રણેયના મૃતદેહને જામનગર લઇ આવવામાં આવ્યાં હતાં. જામનગરના ત્રણ પેઢીએ એક સાથે આપઘાત કરતા મુસ્લિમ સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
જામનગરના માતા-પુત્રી-દોહિત્રીનો આર્થિક સંકળામણને કારણે સામૂહિક આપઘાત
ભાણવડમાં સોમવારે સવારે સંબંધીને ત્યાં સાગમટે દવા ગટગટાવી : જામનગરના મુસ્લિમ સમાજમાં શોકનું મોજું