Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજ્યની 17 જેલમાં સામૂહિક ચેકિંગ

જામનગર સહિત રાજ્યની 17 જેલમાં સામૂહિક ચેકિંગ

રાત્રે જામનગર જેલમાં એસ.પી. સહિતનો પોલીસ કાફલો ત્રાટકયો, તપાસમાં કશું જ વાંધાજનક ન મળ્યું: સાબરમતિ અને સુરત જેલમાંથી મળ્યાં માદક દ્રવ્યો : કુલ 27 મોબાઇલ અને કેટલાક સીમકાર્ડ મળી આવ્યા: મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કર્યુ લાઇવ મોનિટરીંગ, તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

- Advertisement -

જામનગર સહિત રાજયની 17 સેન્ટ્રલ જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવાના ઉદેશ સાથે ગૃહવિભાગ દ્વારા સામૂહિક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સિધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલાં આ ઓપરેશન અંતર્ગત અમદાવાદની સાબરમતિ જેલમાંથી કેટલાક માદક દ્રવ્યો મળી આવ્યા છે. જયારે સુરત સહિતની કેટલીક જેલમાંથી 27 જેટલા મોબાઇલ અને સીમકાર્ડ ચેકિંગ દરમ્યાન મળી આવ્યા છે. રાતભર ચાલેલી આ ચકાસણીનો વિસ્તૃત અહેવાલ ગૃહમંત્રીને સોંપવામાં આવશે ત્યારબાદ અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી તેમજ જરૂરી પગલાંઓ લેવામાં આવશે.

- Advertisement -

સમગ્ર રાજયની સાથે જામનગરની જિલ્લા જેલમાં પણ ગઇરાત્રે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો ત્રાટકયો હતો. અચાનક જ ત્રાટકેલાં પોલીસ કાફલાથી જેલ સત્તાવાળાઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જામનગર જિલ્લા જેલની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેલની તમામ બેરેક તેમજ કેદીઓની તલાશી લેવામાં આવી હતી. જો કે, તપાસ દરમ્યાન જામનગર જિલ્લા જેલમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું. મોડી રાત સુધી તપાસની કામગીરી બાદ તપાસનો અહેવાલ ડીજીપીને મોકલી આપવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

- Advertisement -

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હતા.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરતના લાજપોર જેલમા સવારે 5 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશમાં મોબાઈલ ફોન અને ચરસની પડીકીઓ મળી હતી. આ ઉપરાંત સુરતમાં પોલીસ તપાસ કરે તે પહેલા જ જેલના કેદીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેલના કેદીઓએ કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડી નાખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular