કાલાવડમાં માછરડા સોસાયટીમાં રહેતી પરિણીતાને નિસંતાન બાબતે અવાર-નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાના બનાવમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડની માછરડા સોસાયટીમાં રહેતી વર્ષાબેન મનસુખ બાબરિયા (ઉ.વ.29) નામની પરિણીતાને નિસંતાન બાબતે તેણીના પતિ મનસુખ હમીર બાબરિયા અને સાસુ ભાનુબેન હમીર બાબરિયા નામના બન્ને શખ્સો લગ્નજીવન દરમિયાન અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. પતિ અને સાસુ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને વર્ષાબેને ગત તા.7 ના બુધવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતકના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા પિતા વેજાભાઈ ગોવાભાઈ સિંગરખીયા દ્વારા આ બનાવ સંદર્ભે કાલાવડ પોલીસ મથકમાં મૃતકના પતિ અને સાસુ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.