જામનગરમાં રહેતી યુવતીના લગ્ન વડતાલના મહુડાપરાના યુવાન સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન યુવતીના પતિ અને સાસુ દ્વારા દહેજની માંગણી અને સંતાન ન થવાની બાબતે એક વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરાતા કંટાળીને યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યાના આ બનાવની વિગત મુજબ જામનગરમાં રણજિતસાગર રોડ વિસ્તારમાં રહેતા હેમકુંવરબા દેવાજી જાડેજા નામના પ્રૌઢાની પુત્રી નયનાબાના લગ્ન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલમાં રહેતાં યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે થયા હતા. યુવતીના લગ્નજીવન દરમ્યાન છેલ્લા એક વર્ષથી સંતાન થતું ન હોવાની તથા દહેજની માંગણી કરી પતિ યોગેન્દ્રસિંહ અને સાસુ રીટાબા રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા નયનાબાને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હતા. પતિ અને સાસુ દ્વારા અવારનવાર અપાતા ત્રાસ અને મારકૂટથી કંટાળીને નયનાબાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પતિ અને સાસુ દ્વારા અપાતા ત્રાસના કારણે મરી જવા મજબૂર કરતાં યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની માતા હેમકુંવરબા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ મૃતકના પતિ અને સાસુ વિરૂઘ્ધ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


