આજે રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ 6 રાજ્યો / કેન્દ્રસાશિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે કોરોના વાયરસની મહામારીની તૈયારીઓને લઇને બેઠક યોજી હતી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત,ગોવા, દાદરા અને નાગરા હવેલી અને દમણ અને દીવના આરોગ્યમંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથેCOVID19 ના નિયંત્રણ અને સંચાલન અને વેક્સિનેશનની સમીક્ષા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.
ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ મીટીંગમાં સર્વેલન્સ અને કન્ટેઈનમેન્ટ ઝોનનું અસરકારક અમલીકરણ, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો, ટેસ્ટીંગમાં વધારો, ટ્રાન્સમિશનની ચેઈન તોડવા માટે કડક પ્રતિબંધક પગલાંનો અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.
ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડના પ્રકારોને ધ્યાનમાં લીધા વિના, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેટ અને કોવિડ યોગ્ય વર્તણૂકનું પાલન’ એ કોવિડ વ્યવસ્થાપન માટે મુખ્ય પાયો છે. તેમણે રાજ્યોને તેમની ટીમોને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા અને મોનિટરિંગ અને કન્ટેઈનમેન્ટ મિકેનિઝમને મજબૂત કરવા માટે તેમજ ICMR, NCDC, એરપોર્ટ પબ્લિક હેલ્થ ઓફિસર્સ (APHOs) અને રાજ્ય સર્વેલન્સ ઓફિસર્સના પ્રાદેશિક અધિકારીઓ સાથે નિયમિત બેઠકો કરવાની સલાહ આપવામાં આવી હતી.
ઈસંજીવની જેવા પ્લેટફોર્મ દ્વારા ટેલિ-કન્સલ્ટેશનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રાજ્યોને દરેક જિલ્લામાં ટેલી-કન્સલ્ટેશન હબ સ્થાપિત કરવાની સલાહ આપી. આ હબ ચોવીસ કલાક કામ કરવું જોઈએ જેથી નિષ્ણાતની સલાહ લેનારાઓને જિલ્લામાં મુસાફરી કરવાની જરૂર ન પડે તેમ જણાવ્યું હતું.
રાજ્યોમાં બેડ, PSA પ્લાન્ટ્સ, ઓક્સિજન સાધનો જેવી માળખાકીય સુવિધાઓની કાર્યકારી સ્થિતિ રાજ્યો દ્વારા ભવિષ્યમાં કોઈપણ વિકસતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તે મદદરૂપ થાય તે માટે રાષ્ટ્રીય પોર્ટલ- https://covid19.nhp.gov.in/ પર ઉમેરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં વધારો કરવા, હોસ્પિટલોમાં કોવિડની પરિસ્થિતિને પહોચી વળવા તમામ સુવિધાઓમાં ઉમેરો કરવા અને જીલ્લા સ્તરે કંટ્રોલરૂમ સ્થાપિત કરવા જણાવ્યું હતું.