કોરોનાની વણસતી સ્થિતિ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રવિવારે વડાપ્રધાનને પત્ર લખીને મહામારી સામે લડવામાં મહત્ત્વનાં શત્ર રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂક્યો હતો. બીજીતરફ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રવિવારે ટ્વિટથી વડાપ્રધાનને રાષ્ટ્રીય હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા અને ચૂંટણી પંચને ચૂંટણી રેલીઓ પર રોક લગાવવા અપીલ કરી હતી.
વડાપ્રધાનને લખેલા પત્રમાં પીઢ કોંગ્રેસી નેતા સિંહે કહ્યું કે, કોઇ ચોક્કસ આંક પર નહીં, પરંતુ કુલ વસતીના રસી લઇ ચૂકેલા લોકોની ટકાવારી પર નજર રાખવી જોઇએ.
મનોમોહનસિંહે પત્રમાં લખ્યું છે કે, સરકારે સાર્વજનિક કરવું જોઇએ કે તેમના દ્વારા કઇ વેક્સિન ઉત્પાદક કંપનીઓને આવનારા છ મહિના માટે કેટલા ડોઝ વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જો આપણે છ મહિનાની અંદર રસીકરણનાં લક્ષ્યને પૂરું કરવું હશે તો તેના માટે પૂરતા ઓર્ડર આપવાની પણ જરૂર છે, જેથી સમય પર પૂરતી રસી મળી શકે.’
તેમણે પત્રમાં લખ્યું છે કે સરકારે એ પણ જાહેર કરવું જોઇએ કે રસીને કેવી પારદર્શી રીતે રાજ્યને આપવામાં આવે છે. આપણે કેટલા લોકોનું રસીકરણ કર્યું, તે જોવાના બદલે કેટલા ટકા વસતીનું રસીકરણ કર્યું તે ધ્યાને લેવું જોઇએ. સરકારે રાજ્યોને ફ્રન્ટલાઇન વર્કરની શ્રેણી નક્કી કરવાની છૂટ આપવી જોઇએ.
સિંહે પત્રમાં આગળ લખ્યું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે, જે સારી વાત છે. સરકારે વેક્સિન નિર્માતા કંપનીઓને જરૂરી ફંડ અને મદદ આપવી જોઇએ જેથી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થઇ શકે. અત્યારે કાયદામાં થોડો ફેરફાર કરીને વિવિધ કંપનીઓને લાયસન્સના માધ્યમથી વધારેમાં વધારે કંપનીઓ રસીનું ઉત્પાદન કરી શકે તેવું કરવું જોઇએ.