જામનગર અને દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનેક વખત નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં જ અફનાસ્તિાનથી વાયા પાકિસ્તાન થઈ ભારતમાં ઘુસાડવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશનમાં ઝડપી લીધો હતો. ત્યારબાદ જામનગર શહેરના બેડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે એમ.ડી.એમ.એ.(મ્યાંઉ મ્યાંઉ) પાવડરના 59 ગ્રામ જથ્થા સાથે શખ્સને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
હાલારના સવેંદનશીલ દરિયાકિનારેથી અનેક વખત નશીલા પદાર્થ ઘુસાડવામાં આવે છે અને હાલ પણ આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હોવાની અમદાવાદ એટીએસની મળેલાં ઇનપુટના આધારે એટીએસની ટીમ જામનગર આવી હતી અને એલસીબી તથા એસઓજીને સાથે રાખી બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં જ ભારત-પાકિસ્તાન જળસીમા પરથી એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુકત ઓપરેશન અંતર્ગત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો અને આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઇ ભારતમાં ઘુસાડવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. દરમિયાન દ્વારકા એસઓજીના હેકો કિશોરસિંહ જાડેજા અને પો.કો. કરણ સોંદરવાને મળેલી બાતમીના આધારે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી જામનગર એસઓજી પીઆઈ કે.કે. ગોહિલ તથા સ્ટાફ અને દ્વારકા એસઓજીના સ્ટાફ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન જામનગરના બેડી વિસ્તારમાં આવેલા બાવાફળીમાં રહેતાં બિલાલ અબ્દુલ દલ (ઉ.વ.60) નામનો શખ્સ તેના ઘરે ગેરકાયદેસર કેફી પદાર્થ એમ.ડી.એમ.એ.(મ્યાંઉ મ્યાંઉ) પાઉડરનું છૂટક વેચાણ કરતો હોવાથી હાલારની એસઓજી ટીમે રેઈડ દરમિયાન બિલાલના ઘરેથી રૂા.5,90,000 ની કિંમતનો 59 ગ્રામ એમ.ડી.એમ.એ.(મ્યાંઉ મ્યાંઉ) પાઉડર તથા રૂા.5060ની રોકડ સહિત રૂા.5,95,060 નો મુદ્દામાલ કબ્જે કરી એસઓજીએ બિલાલની ધરપકડ કરી અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરતા આ નશીલા પદાર્થના જથ્થામાં ભાવનગરના હસમુખભાઈ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બિલાલનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.