ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા એક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન (ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ દરિયાઈ વન્યજીવ સૃષ્ટિ કે જે એક અમૂલ્ય વારસો ગણવામાં આવે છે, તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ 1972 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દરિયાની કેટલીક ચીજવસ્તુઓના સંગ્રહ કે વેપાર કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ કેટલાક શકશો આ બાબતને અવગણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિના ભાગરૂપે આવી ચીજવસ્તુઓ દરિયામાંથી મેળવી, સાચવી અને તેનું વેંચાણ કરતા હોય છે. દરિયાઈ મૃગયા પ્રકારની સી ફેન (ઈન્દ્ર જાળ) તથા શંખ આ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓમાં સમાવિષ્ટ છે. આ સંદર્ભે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ ગાંધીનગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તથા ઓખાના ચોપગી વિસ્તારના રહીશ વિજય લખમણ પરમાર નામના 50 વર્ષીય દેવીપૂજક દ્વારા પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર મેળવીને રાખવામાં આવેલા 122 નંગ ઈન્દ્રજાળ તથા 218 કિલોગ્રામ જુદા જુદા પ્રકારના શંખ તથા કોડીનો 13 બાચકા જેટલો જથ્થો ફોરેસ્ટ વિભાગ દ્વારા કબજે કરી, આરોપી વિજય લખમણ પરમારની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સને અહીંના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદા, કે.આર. ચુડાસમા તથા સ્ટાફ દ્વારા સ્થાનિક કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે