જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું થતું વેચાણ અટકાવવામાં પોલીસ ઉણી ઉતરી રહી છે. સમયાંતરે અને છાશવારે જિલ્લામાંથી પ્રતિબંધિત નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવામાં આવે છે. હાલમાં જ સાત રસ્તા પાસેથી એસઓજીની ટીમએ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં સૌથી લાંબો સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું બેખૌફ વેચાણ કરાઇ રહ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, એસઓજીની ટીમ નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ તેમ છતાં આવા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો અટકવાનું નામ લેતા નથી અને છાશવારે શહેરમાં કે જિલ્લામાં રેઇડ દરમ્યાન નશીલા પદાર્થનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી લેવામાં આવે છે. વધુ એક બનાવમાં એસઓજીના ધર્મેન્દ્રભાઇ પટેલ, વિજયભાઇ કારેણા, જયેશભાઇ પઢેરિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી. એચ. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેર અને એ.વી.ખેર તથા સ્ટાફએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન સાત રસ્તા પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતાં એસઓજીની ટીમએ આંતરી લીધો હતો.
એસઓજીએ મુઝફ્ફરખાન અનવરખાન પઠાણ (ઉ.વ.24, રહે. ધરારનગર, આશાપુરા હોટલ સામે, જામનગર અને મૂળ સુરજકરાડી દ્વારકા) નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી પોલીસે રૂા. 8 હજારની કિંમતનો 800 ગ્રામ નશીલા પદાર્થ ગાંજો અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 13 હજારનો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.


