અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા માળીયા-ભાદરા સર્કલ-જોડીયા-જાંબુડા પાટીયા રોડ પર ભારે, અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ રસ્તા પર આવેલા પાંચ મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી અને મોટાભાગના સ્ટ્રક્ચર તોડીને નવા બનાવવાની કામગીરી મંજૂર થયેલી હોવાથી, હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર જોખમી બની શકે છે.આ માટે વૈકલ્પિક રૂટ તરીકે જાંબુડા પાટિયા-ફલ્લા-ધ્રોલ ત્રિકોણબાગ-માવાપર-લખતર-ભાદરા પાટિયા-જોડિયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
સાથે જ દરરોજ સવારે 08:00 કલાકથી રાત્રે 08:00 કલાક દરમિયાન ધ્રોલ શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરી શકશે નહીં.આ સમયગાળા દરમિયાન, ભારે વાહનોએ જાંબુડા પાટિયા – ફલ્લા – ત્રિકોણબાગ સર્કલ – ધ્રોલ કોર્ટ પાસે હાઈવે રોડ – વાગુદડ રોડ – પિયાવા ચોકડી – ધ્રોલ લતીપર હાઈવે રોડ – ચામુંડા પ્લોટથી ભાદરા પાટિયા મુજબના રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તકના નિગમ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તથા બેંક હસ્તકના ફરજ પરના વાહનોને ધ્રોલ શહેરમાં પ્રવેશનો ઉપરોક્ત પ્રતિબંધ લાગુ પડશે નહીં.ધ્રોલ શહેરમાં પ્રવેશ અંગેના પ્રતિબંધિત સમય દરમિયાન બપોરે 1:00 થી 4:00 કલાકના સમયગાળામાં ફક્ત ધ્રોલ શહેરના લોકો માટેની જીવન જરૂરી ચીજવસ્તુઓનું વહન કરતા 10 ટનની ક્ષમતાવાળા વાહનો અવરજવર કરી શકશે. આવા વાહનોએ આગળના ભાગે “ધ્રોલ શહેર તાલુકાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ” મુજબનું બોર્ડ લગાવવાનું રહેશે.અનિવાર્ય સંજોગોમાં કામચલાઉ મુક્તિ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ધ્રોલને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા. 14/07/2025 થી અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (45મો અધિનિયમ), 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.


