જૂનાગઢ ખાતે ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે આજે મહાવદ નોમના ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. આ સાથે અન્નક્ષેત્રો ધમધમતા થશે. તેમજ સાધુ સંતોના ધુણા પ્રજ્વલ્લિત થશે. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત શરૂ થશે. એસટી અને રેલવે તંત્ર દ્વારા વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. જે આજથી શરૂ થઈ ગઈ હતી.ચાર દિવસ સુધી ભવનાથ ક્ષેત્રમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ સર્જાશે.આજે મહાવદ નોમના સવારે 10 વાગ્યે સાધુ સંતો અધિકારીઓ, તેમજ પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ મંદિર ખાતે ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રારંભ સાથે જ બપોરથી જ મેળા ગ્રાઉન્ડમાં નાના-મોટા 250 જેટલા અન્નક્ષેત્રો ધમધમતા થઈ જશે અને જ્યાં દિવસ રાત હરિહરનો નાદ ગુંજતો રહેશે.મહાશિવરાત્રી પર ભવનાથ તળેટીમાં જ મેળો યોજાતો હોવાથી રાજ્ય અને દેશભરમાંથી સાધુ સંતો આવી પહોચ્યા છે. તેઓએ તળેટીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. મેળાના પ્રારંભ થતા જ સાધુ સંતોના ધુણા પ્રજ્વલ્લિત થશે અને તેની ધુમ્રશેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ ઉભો થશે.મેળામાં વ્યવસાય કરવા આવતા લોકો ગઈકાલથી જ તળેટીમાં આવી પહોંચ્યા છે. અમુક અન્નક્ષેત્ર ગઈકાલે સાંજથી જ શરૂ થઇ ગયા હતા અને અનેક લોકોએ ત્યાં ભોજનપ્રસાદ લીધો હતો.રેલવે તંત્ર દ્વારા આજથી જૂનાગઢ-કાસીયાનેસ વચ્ચે મીટર ગેજ ટ્રેક પર મેળા સ્પેશીયલ ટ્રેન શરૂ કરી છે. તેમજ સાત જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવ્યા છે. જ્યારે એસટી તંત્ર દ્વારા બસસ્ટેન્ડથી ભવનાથમાં જવા માટે 75 મીની બસ તેમજ અન્ય અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, અમરેલી દ્વારકા સહિતના રૂટ પર વધારાની 175 બસ દોડાવવામાં આવશે.આમ મહાશિવરાત્રી મેળાના પ્રારંભ થતા ચાર દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તનો ત્રિવેણી સંગમ સર્જાશે. જ્યારે તા. 8ના મેળો તેની ચરમસીમાએ પહોંચશે. તા. 8ના રાત્રીના મેળાના મુખ્ય આકર્ષણ સમાન સાધુ સંતોની રવેડી નીકળશે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. રવેડી બાદ ચાર દિવસીય મેળો સંપન્ન થશે.