જામનગર શહેરમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપની 485 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
જે ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ પટેલ કોલોની શેરી નંબર 12, ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી એથી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં બાઈક સાથે અને ભગવાન ધ્વજ સાથે ઉપરાંત રજવાડી શાફા અને તલવાર સાથે સજજ બનીને રાજપૂત સમાજના ભાઈઓ તેમજ કેસરી સાડીમાં રાજપૂત સમાજના બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જે શોભાયાત્રા નગર ભ્રમણ કરીને જિલ્લા પંચાયત સર્કલમાં આવેલી મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે પરિપૂર્ણ થઈ હતી. જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું પૂજન કરાયા બાદ સાંજે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજકોટ ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજપૂત સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરીને તમામ મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.