જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા પાસે પેટ્રોલ ભરાવી ઘર તરફ જતાં વૃધ્ધના લ્યૂના મોપેડને પૂરપાટ આવી રહેલી કારે ઠોકર મારી હડફેટે લેતાં શરીર તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટના રીંગ રોડ પર રહેતા અને જામનગર તાલુકાના સૂર્યપરા ગામના વતની તરશીભાઇ મુંગરા નામના વૃધ્ધ મંગળવારે સવારના સમયે તેના જીજે-10 ડીએચ-8956 નંબરના લ્યૂના મોપેડ પર જાંબુડાના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવી ચોકડી ક્રોસ કરાવવા જતાં હતાં તે દરમિયાન પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલી જીજે-03 એનએફ-6049 નંબરની કારના ચાલકે વૃધ્ધના મોપેડને હડફેટ લઇ ઠોકરે ચડાવતાં વૃધ્ધ રોડ પર પટકાયા હતાં જેમાં શરીરે તથા કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એ.કે. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.