સ્પેસ સ્ટેશનથી પરત ફરેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા લખનૌ પહોંચી ગયા છે. જ્યાં હજારો લોકોએ હાથમાં ત્રિરંગા અને ભારત માતા કી જયના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યુ હતું.
શુભાંશુ શુકલા સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા બાદ આજે પત્ની અને પુત્ર સાથે લખનો પહોંચ્યા હતાં. જ્યાં યુપીના નાયબ મુખ્યમંત્રી અને લખનૌના લોકોએ ખુબ જ ઉમળકાથી હાથમાં ત્રિરંગો અને માળા લઇને તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. તેઓ આજે લખનૌમાં યોજાનારી વિજય પરેડમાં ભાગ લેશે. પરેડની સુરક્ષા માટે પોલીસ કાફલો પણ હાજર રહેશે અને પોલીસ વાહનો આ ભવ્ય કાર્યક્રમનો ભાગ રહેશે. જ્યારે અવકાશયાત્રી બનેલા શાળાના બાળકો પણ આ પરેડમાં ભાગ લેશે.
શુભાંશુની સિધ્ધીઓને માન આપવા અને તેમના યોગદાનને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, સુરક્ષાના કારણોસર વહિવટી તંત્રે શુભાંશુને તેમના ઘરે જવાની મંજૂરી આપી નથી. મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્રેસ કોન્ફરન્સ બાદ તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, શુભાંશુને Axiom-4 મિશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. ત્યારે આ મિશનમાં તેઓ મિશન પાઇલટ હતાં અને કમાન્ડર પેગી વ્હિટ્સનના નેતૃત્વ હેઠળ સ્લેવોજ ઉઝનાન્સકી – વિસ્નીવસ્કી અને ટિબોર કાપુ સાથે આઈએસએસ ગયા હતાં તેમણે 18 દિવસ સુધી સાત ભારતીય પ્રયોગો કર્યા. જેમાં સક્ષમ શેવાળ પ્રયોગ, મગ, મેથીનું અંકુરણ, સુક્ષ્મ સજીવોના અભ્યાસ અને માનવ સ્નાયુઓ પર સુક્ષ્મ ગુરૂત્વાકર્ષણની અસરનો સમાવેશ સહિતના પ્રયોગો કર્યા હતાં. ત્યારે આઈએસએસની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનેલા શુભાંશુ પોતાના જન્મસ્થળ લખનૌ પહોંચ્યા ત્યારે લોકોએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યુ હતું.


