- Advertisement -
દ્વારકામાં શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવની ગુરુવારે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મોત્સવ પ્રસંગે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી હતી. અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સવારથી જ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈનો લગાવી દીધી હતી. ત્યારે વ્હાલાની વધામણીમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગેની તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. સાથે- સાથે જન્માષ્ટમીના ઉત્સવને લઈ તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા પણ તમામ તૈયારીઓને પણ સુચારુ રૂપે સંપન્ન થઈ હતી.
ગુરુવારે કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવ્યા હતા. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા હતા. શ્રીજીની શૃંગાર આરતી 1 વાગ્યે થઈ. ત્યાર બાદ ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. બપોરે 12 વાગ્યા પછી રાજભોગ ધરાયો હતો.
ગ્વાલ ભોગ…
દ્વારકાના જગત મંદિર ખાતે ગુરુવારે સવારે શૃંગાર આરતી પછી ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો હતો. જેમાં મીઠાઈ એને દૂધની બનાવટો ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. ગ્વાલ ભોગ પછી ભગવાનના દર્શન 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા.
શૃંગાર આરતી…
શ્રીજીની શૃંગાર આરતી 11 વાગ્યે કરવામાં આવી હતી. જેના દર્શન મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ રૂબરૂ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભકતોએ લાભ લીધો હતો. અહીં શ્રૃંગાર આરતી કરવામાં આવી હતી. આરતી કરતા પહેલા ભગવાન દ્વારકાધીશ પાસે વાંસળી રાખવામાં આવે છે. પ્રથમ શંખ સાથે આરતી કરવામાં આવી પછી ધૂપ અને સુગંધિત પદાર્થ આરતી કરી, આરતી પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશના મંત્રજાપ સાથે ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તુતિને પુષ્પાંજલિ કહેવામાં આવે છે.
ઠાકોરજીને વિશેષ બે ભોગ અર્પણ…
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને નિત્ય 11 ભોગ અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમી પર્વના 11 ભોગ ઉપરાંત ઠાકોરજીને વિશેષ બે ભોગ અર્પણ કરવાની પરંપરા છે. જન્માષ્ટમી પર્વે ઠાકોરજીને 11 ભોગ ઉપરાંત ઉત્સવ ભોગ તથા મહા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવારના મહિલાઓ અને પુરૂષો દ્વારા જગતમંદિર સમીપના ભોગ-ભંડારમાં નિત્ય ભોગ બનાવવામાં આવ્યો હતો. ઠાકોરજીને અર્પણ કરાતા 11 ભોગ પૈકી સવાર-સાંજ અલગ અલગ ભોગ અર્પણ કરાય છે. ત્યારે ભગવાનને શ્રીંગારભોગ આપવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજીને મંગલા ભોગ, માખણ મીશ્રી ભોગ, સ્નાન ભોગ, શૃંગાર ભોગ, મધ્યાહન ગ્વાલ ભોગ, રાજભોગ અને બંટા ભોગ એમ કુલ સાત ભોગ અર્પણ કરાયા હતા.
ભાવિકો માટે ભોગ પ્રસાદની અલાયદી વ્યવસ્થા…
જન્માષ્ટમીના બે વિશેષ ભોગ ધરાવાય છે. જેમાં એક ભોગ જન્મ ઉત્સવ પહેલાં મહા ભોગ અને એક ભોગ જન્મ થાય પછી ઉત્સવ ભોગ ધરાવાય છે. જેમાં માવાની સામગ્રીથી બનાવેલા વ્યંજનો અર્પણ કરાય છે. ભાવિકોને ઠાકોરજીને ચઢાવવામાં આવતાં ભોગની પ્રસાદી મેળવવા માટે આ વખતે મંદિર પરિસરમાં પાવતીથી અને વધારાના કાઉન્ટર ઉપલબ્ધ કરાવીને ભોગ પ્રસાદી મેળવી હતી. આ ઉપરાંત કિર્તી સ્તંભ પાસે અલગથી પ્રસાદ કાઉન્ટર પરથી પણ યુપીઆઈ પેમેન્ટથી ભોગ પ્રસાદી મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય ઓનલાઈન પોર્ટલ પર પણ ભોગની સુવિધા ઉપલબ્ધ બની હતી.
ભગવાનને આભૂષણો અને વસ્ત્રોથી શૃંગારવામા આવ્યા…
અભિષેક પછી ભગવાનને શૃંગારવામાં આવ્યા હતા. પૂજારીએ ભગવાનને આભૂષણો અને વસ્ત્રોથી શણગાર્યા હતા. સૌ પ્રથમ ભગવાનની તુલસી અને ચંદનની પાંખડીઓ વડે અર્ચના કરવામાં આવી પછી ભગવાનને પીતામ્બર પહેરાવાયા હતા. આભૂષણોમાં ભગવાનને સોનાના આભૂષણો અને ખાસ કરીને ચંદનમાળા, સોપારીમાળા અને વૈજયંતિમાળાથી શૃંગારાયા જોવા મળ્યા હતા.
શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન…
મંગળા આરતી પછી ભગવાનને પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યુ હતું. તે પૂજારી દ્વારા મંદિરની અંદર કરવામાં આવે છે. પરંતુ વર્ષમાં બે વખત જન્માષ્ટમીના દિવસે અને બીજી વખત જલયાત્રાના દિવસે ભક્તો આ અભિષેકના દર્શન કરી શકે છે. આ દર્શન માટે ઘણા ભક્તો અને વૈષ્ણવો દ્વારકામાં ખાસ આવ્યા હતા.
આ અભિષેક વિધિ સવારે 8 થી 10 સુધી કરવામાં આવી હતી. આ વિધિ દરમિયાન પૂજારીએ દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃત (પાંચ શુદ્ધ વસ્તુઓ)થી સ્નાન કરાવ્યુ હતું. ત્યારબાદ શુદ્ધ જળ અને અન્ય સામગ્રીથી અભિષેક કરાયો હતો. આ અભિષેક ‘પુરુષ સૂક્ત’ ના જાપ સાથે પૂર્ણ કરાયા.
રાજાધિરાજની મંગળા આરતી…
જગત મંદિર જન્માષ્ટમીના દિવસે ભક્તિમય બન્યુ હતું. પૂજારીઓ દ્વારા સેવાના નિત્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. નિત્યક્રમ અનુસાર સવારે 6 વાગ્યે મંગળા આરતી થઈ હતી. ભક્તો શ્રીજીના પ્રથમ દર્શન કર્યા હતા. જે 8 વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા.
કાળિયા ઠાકરને અર્પણ કેસરિયો શ્રૃંગાર…
યાત્રાધામ દ્વારકામાં રાજાધિરાજને અર્પણ વાઘા કેસરિયા રંગ સાથે અનેક રત્નોજડિત આભૂષણો સહિતના હતા. વિશિષ્ટ વાઘાનું સોના તેમજ ચાંદીના તાર દ્વારા એમ્બ્રોડરી વર્ક પૂર્ણ થયું છે. આ વર્ક વૃંદાવન, ક્લકતા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં તૈયાર કરાયા પછી દ્વારકામાં ઠાકોરજીના સ્વરૂપ મુજબ અંતિમ ફીનીશીંગ વર્ક દ્વારકાના સ્થાનિક સેવકો દ્વારા પૂર્ણ કરાયું છે.
પોલીસતંત્ર દ્વારા નમૂનેદાર વ્યવસ્થા તથા ચુસ્ત બંદોબસ્ત…
વર્ષમાં એક જ વાર જન્માષ્ટમીના રોજ દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવામાં આવે છે. જેનો લ્હાવો લેવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. દ્વારકાનો મુખ્ય મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી. આમ તો બારે મહિના ભક્તોથી દ્વારકા ઉભરાતું હોય છે. પરંતુ કાળિયા ઠાકોરનો જન્મોત્સવ હોય ત્યારે ભક્તોની વિશેષ ભીડ દ્વારકામાં હોય છે. જ્યાં ટ્રેન, બસ, ખાનગી વાહન મારફતે ભક્તો દ્વારકા આવ્યા હતા. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે જિલ્લા કલેકટર અશોક શર્મા તથા એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડા અને તમામ સ્ટાફની વ્યવસ્થા કાબિલે દાદ બની રહી હતી.
જન્માષ્ટમી મહોત્સવનાં આરતી દર્શન…
ભગવાન દ્વારકાધીશના દર્શન માટે એન્ટ્રી દ્વારકાના કીર્તિસ્થંભથી લઈ, જગત મંદિર સુધી બેરીકેટિંગ બાંધવામાં આવેલા હતા. જેથી કરીને લોકો લાઈનમાં ઊભા રહી સુચારૂ રૂપે ભગવાનના દર્શન કર્યા હતા. કીર્તિસ્થંભથી બેરી કેટીંગ મારફતે છપ્પન સીડી પહોંચી, જ્યાં છપ્પન સીડીથી સ્વર્ગ દ્વારથી જગત મંદિર પરિસરમાં જઈ, ભગવાન કાળીયા ઠાકોરના તથા પરિસરમાં રહેલા તમામ મંદિરોના દર્શન કરીને મોક્ષ દ્વાર મારફતે બહાર નીકળ્યા હતા. વૃદ્ધો અને અશક્તો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
દ્વારકામાં પોલીસ જવાનો ભક્તોની સુવિધા માટે તૈયાર અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેથી તમામ હિલચાલ પર નજર રાખી શકાય.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ 7 ડીવાયએસપી, 16 પી.આઈ., 65 પી.એસ.આઈ., 800 પોલીસ, એસઆરડી, હોમગાર્ડ, સી-ટીમના કુલ 1660 જેટલા મહિલાઓ તથા પુરુષ જવાનો તૈનાત હતા. જગત મંદિર પરિસરની અંદર સાદા ડ્રેસમાં પણ સુરક્ષા જવાનો વ્યવસ્થામાં ગોઠવાયા હતા. વહીવટી તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ લગાડવામાં આવ્યું હતુ. તેની સાથે સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા બહારથી પધારતા ભક્તો માટે ચા, પાણી, નાસ્તો, જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.
એક સ્કેનથી દર્શનનો સમય, પાર્કિંગ તથા સંલગ્ન માહિતી…
જન્માષ્ટમીને અનુસંધાને યાત્રાળુઓના માર્ગદર્શન અને મદદ અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ અંતર્ગત ક્યુ.આર. કોડ લોન્ચ કરાયો હતો. જેને મોબાઈલ કેમેરાથી સ્કેન કરી યાત્રાળુઓ દર્શનનો સમય, પાર્કિંગ વિગેરે જેવી તમામ બાબતની માહિતી તેમજ માર્ગદર્શન મેળવ્યા હતી. સાથે સાથે બહારથી આવેલા કૃષ્ણ ભક્તોને જગતમંદિરમાં થતાં દર્શનનો સમય, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતની સંલગ્ન માહિતી સરળતાપૂર્વક મળી રહે તે હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી, નવતર અભિગમ દાખવવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને યાત્રાળુઓના માર્ગદર્શન અને મદદ અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ અન્વયે સૌપ્રથમ વખત આ પ્રકારનો ક્યુ.આર. કોડ લોન્ચ કરાયો હતો.
પાર્કિંગ ઝોન…
આ સાથે જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર હાથી ગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, એસ.ટી. રોડ, રાજપુત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ ફોર વ્હીલ, થ્રી વ્હીલ તેમજ હેવી વાહનો માટે ‘પાર્કિંગ ઝોન’ તરીકે ઉપયોગ કરાયો હતો.
આમ, એકંદરે દ્વારકામાં જન્માષ્ટમી પર્વની તદ્દન શાંતિપૂર્ણરીતે અને સાથે ભક્તિસભર માહોલમાં ઉજવણી સંપન્ન થઈ હતી.
- Advertisement -