જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. કાગવડ ખોડલધામ મંદિર પર વીજળીના કડાકાનાં અદભુત આકાશી દ્રશ્યોનો વિડીઓ વાયરલ થયો છે.
ગુજરાત રાજ્યમાં આ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ ગઈકાલથી જ રાજ્યના અનેક તાલુકામાં વરસાદ શરુ થયો છે. ત્યારે આજે વહેલીસવારથી જ સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓએ મેઘરાજાની તોફાની બેટિંગ શરુ થઇ છે. રાજકોટ જીલ્લામાં ભારે વરસાદના પરિણામે ખેડૂતો ખુશખુશાલ થયા છે.
રાજકોટમાં ભારે વરસાદના પરિણામે આજી-2 ડેમ છલોછલ ભરાયો છે. તેમજ નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. આજે સવારથી જ ગોંડલ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.