જામનગર માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગત સપ્તાહે રવિવારે એક સાથે આશરે 400થી વધુ વાહનો યાર્ડમાં પહોંચતા ભારે ભીડ સર્જાઈ હતી, જેના કારણે યાર્ડ સંચાલન દ્વારા એક સપ્તાહ માટે મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, પ્રતિબંધ હટાવી ફરી રવિવારે મગફળીની આવક શરૂ કરવામાં આવતા જ યાર્ડની બહાર ફરી એકસાથે લગભગ 200થી વધુ મગફળી ભરેલા વાહનોની કતારો લાગી ગઈ હતી.
ખેડૂતોએ એક સપ્તાહ સુધી મગફળી ખુલ્લા બજારમાં વેચવાની તક ન મળતા યાર્ડમાં આવક શરૂ થવાની રાહ જોવી પડી હતી. આવક શરૂ થતાંની સાથે જ જામનગર શહેર ઉપરાંત આસપાસના ગામો અને અન્ય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મગફળી ભરેલા વાહનો યાર્ડની બહાર એક પછી એક કતારમાં ઉભા રહ્યા હતા. ઘણા ખેડૂતો તો વહેલી સવારથી જ પોતાનો વારો વહેલો આવે તે આશાએ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો સર્જાઈ અને અનેક ખેડૂતોને કલાકો સુધી, તો કેટલાકને એક દિવસથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.
ખેડૂતોની રજૂઆત મુજબ, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે પરંતુ તેમાં માત્ર મર્યાદિત જથ્થો લેવાતા હોવાથી બાકી રહેલી મગફળી ખેડૂતોને ખુલ્લા બજારમાં વેચવા મજબૂર બનવું પડે છે. આ ઉપરાંત, એકસાથે મોટી માત્રામાં મગફળીની આવક થતાં યાર્ડમાં જગ્યા ના અભાવે નવી આવક પર રોક લગાવવામાં આવે છે, જેના કારણે ફરીથી વાહનોની કતારો લાંબી થતી જાય છે.
યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં જ વાહનોની લાંબી કતારો લાગવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. ખેડૂતોને કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડે છે અને ઠંડીના માહોલમાં મોડી રાતથી મધરાત્રી સુધી રાહ જોવાની ફરજ પડે છે. યાર્ડ સંચાલન દ્વારા વાહન ચાલકોને ટોકન આપવામાં આવે છે અને ટોકન મુજબ મગફળીની આવક લેવામાં આવે છે, છતાં ટોકન મેળવવા અને વારો આવવા માટે લાંબો સમય રાહ જોવો પડે છે.
આ સમગ્ર સ્થિતિથી પરેશાન થયેલા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મગફળીની આવક અને ખરીદીની પ્રક્રિયા માટે કોઈ કાયમી અને સુવ્યવસ્થિત ઉકેલ લાવવામાં આવે, જેથી ખેડૂતોને વારંવાર આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તેઓને પોતાની ઉપજ યોગ્ય રીતે અને સમયસર વેચી શકાય.


