જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ બહાર છેલ્લા બે દિવસથી મગફળી વહેંચવા ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા છે. યાર્ડની બહાર આશરે 200 જેટલાં વાહનોમાં મગફળી ભરેલી જોવા મળી હતી.
દિવાળીના તહેવારોને કારણે છેલ્લા એક સપ્તાહ સુધી યાર્ડ બંધ રહ્યું હતું, ત્યારબાદ વરસાદી વાતાવરણ સર્જાતા યાર્ડમાં આવક થઈ શકી નહોતી. હવે વાતાવરણ ખુલતા ખેડૂતો પોતાની મગફળી સહિતની પાક ઉપજ લઈને ખુલ્લા બજારમાં વેચાણ માટે આવી રહ્યા છે. ખુલ્લા બજારમાં મગફળીના પૂરતા અને સારા ભાવ મળતા નથી, તેવી ખેડૂતોની ફરિયાદ છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલાસર શરૂ કરે, જેથી તેમને યોગ્ય ભાવ મળી રહે અને ખુલ્લા બજારમાં પણ ભાવ સ્થિર થાય. આ ઉપરાંત યાર્ડમાં હાલ મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
View this post on Instagram
ખેડૂતોનું કહેવું છે કે હાલ તેઓને પોતાની વારે મગફળી વહેંચવા માટે આખી રાત અને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેનાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી યાર્ડ તંત્ર દ્વારા મગફળીની સમયસર ખરીદી અને પરિવહનની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.


