સુપ્રિમ કોર્ટે લોન મોરેટોરીયમ સંદર્ભે સરકારની મુશ્કેલીઓ સમજતા કહ્યું છે કે, કોરોના મહામારીથી માત્ર કંપનીઓને જ નહીં, સરકારને પણ ઘણી નુકશાની થઇ છે.વ્યાજમાફી મુદ્દે અદાલતે જણાવ્યું કે, સરકાર અને રિઝર્વ બેંક પર હવે અદાલત વધુ દબાણ ન બનાવી શકે.
સુપ્રિમ કોર્ટે આજે મંગળવારે સવારે એક મહત્વ પૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે, લોન મોરેટોરીયમને હવે વધુ આગળ ન વધારી શકાય અને કોરોનાકાળ દરમ્યાન લોન મોરેટોરીયમ અંતર્ગત સંપૂર્ણ વ્યાજમાફી પણ ન આપી શકાય. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે. બીજી બાજૂ સંપૂર્ણ વ્યાજમાફીની માંગણી કરી રહેલાં રિયલ એસ્ટેટ સહિતના સેકટરોની કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે.
સુપ્રિમ કોર્ટે ગત્ વર્ષે લોન મોરેટોરીયમ અંતર્ગત કરોડો લોકોને રાહત આપતો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ હવે સુપ્રિમ કોર્ટના વલણમાં પરિવર્તન જોવા મળે છે. અદાલતે કહ્યું કે, આર્થિક બાબતોમાં કોર્ટ દખલ ન કરી શકે. કોઇ આર્થિક પોલીસી ખરી છે કે ખોટી તે અદાલત નકકી ન કરી શકે. અદાલત માત્ર એટલું જ કહી શકે છે.કોઇ પોલીસી કાનૂન સાથે સહમત છે કે કેમ ?
અત્રે નોધનિય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોંગદનામુ દાખલ કરીને એમ જણાવ્યું હતું કે હવેની સ્થિતીમાં કોઇ પણ સેકટરને આ સંદર્ભે રાહત આપવી સરકાર અથવા બેંકો માટે શકય નથી.