દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં વિદેશી દારૂના અનેક ગુનાઓ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ દારૂ સપ્લાય પ્રકરણમાં સંડોવાયેલા રાજસ્થાનના એક આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં થોડા સમય પૂર્વે આશરે સતર લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂની મોટી સંખ્યામાં ઝડપાયેલી બોટલોના પ્રકરણ સહિત ખંભાળિયા અને મીઠાપુરના મળી કુલ તેર જેટલા દારૂ અંગેના પ્રકરણમાં રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના આસિંદ તાલુકામાં રહેતા રાજમલ ઉર્ફે રાજુ લાલજીભાઈ ઉર્ફે લાલારામ નીંબારામ મેવાડા નામના 34 વર્ષના કલાલ શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. છેલ્લા ચારેક વર્ષ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલ આ ગુનાઓમાં ઉપરોક્ત આરોપી નાસતો ફરતો હતો. જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહિરને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે ઉપરોક્ત શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસની તપાસમાં ઝડપાયેલો રાજમલ ઉર્ફે રાજુ કલાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેર, અરવલ્લી જિલ્લાના છ, મોરબી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં એક-એક મળી કુલ 24 જેટલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. આથી પોલીસે તેની ધોરણસર અટક કરી, રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી. બી. ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, સાથે સ્ટાફના સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, કેશુરભાઈ ભાટીયા, નરસીભાઈ સોનગરા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયા સહિત અન્ય જિલ્લાઓમાં બે ડઝન દારૂના દરોડા
ચાર વર્ષથી ફરાર રીઢો ગુનેગાર એલસીબી પોલીસે પકડી પાડયો