જામનગર શહેરમાં પોલીસ અધિક્ષકની કચેરીથી નજીકમાં જ આવેલા ગુરુદ્વારા ચોકડી ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ ઉપર પોલીસને ફરજ બજાવવા માટે રાખેલી છત્રીમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જો કે, બાજુમાં જ અન્ય એક બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યાં હતાં. આ અંગેની જાણ થતા મીડિયાકર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને ત્યાં ફરજ પરના જવાનોને પૂછપરછ કરતાં આ ખાલી બોટલો અસામાજિક તત્વો રાખી ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ, આશ્ર્ચર્યની બાબત એ છે કે, સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ વિભાગને ચાલુ બાઈક પર મોબાઇલ ફોન પર વાત કરતા બાઇકસવારો નજરે પડે છે અને તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે પોલીસે ઉભા રહેવાની આ છત્રીમાં દારૂની બોટલો કોણ રાખી ગયું કે મુકી ગયું ? તે હજુ સુધી પોલીસને ખબર નથી કે શું ? સીસીટીવી કેમેરા માત્રને માત્ર વાહનચાલકો માટે જ છે…!? એક તરફ જામનગર સહિત રાજ્યમાં વિધાનસભા 2022 ની ચૂંટણી એક સપ્તાહ બાદ યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં કામ કરી છે. તો બીજી તરફ અસામાજિક તત્વો ટ્રાફિક પોલીસની છત્રીમાં જ દારૂની બોટલો મૂકી જાય છે. શું આ બનાવમાં પોલીસ વિભાગ તપાસ કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરશે ?