જામનગર શહેરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં ભારતીય પરંપરાને જાળવતાં 160 જેટલી બાળાઓ વિવિધ ગ્રુપમાં અવનવા રાસ રજૂ કરે છે. જે નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સરગમ નવરાત્રિ મહોત્સવમાં ત્રીજા નોરતે વિવિધ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી ત્રીજા નોરતાની ગરબીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, નોબતના ચેતનભાઇ માધવાણી સહિતના અગ્રણીઓ, સંતો તેમજ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઇ પટેલ, અરવિંદભાઇ સહિતના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને દિપ પ્રાગટય કર્યું હતું. સરગમ નવરાત્રિ મહોત્સવમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ હોય. શહેરીજનો પણ આ ભારતીય સંસ્કૃત્તિને અનુરુપ પ્રાચિન રાસ-ગરબા નિહાળી રહ્યા છે. ખાસ કરીને ‘માળી તારા અઘોર નગારા વાગે’ સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.