રસિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી બજારની અસ્થિરતાને કારણે ભારતનો અત્યાર સુધીનો સોથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી નાણાકીય વર્ષમાં ધકેલવામાં આવી શકે છે. આ આઈપીઓ 10 થી 12 માર્ચ વચ્ચે બજારમાં લોંચ થવાની સંભાવના હતી.
નાણાંમંત્રીએ આપેલા સંકેતો અનુસાર એલઆઈસીનો આઇપીઓ કે જે 10 થી 12 માર્ચ વચ્ચે લોંચ થવાનો હતો પરંતુ, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક બજારો સાથે ભારતની બજારમાં પણ અસ્થિરતા ઉભી થતા હવે આ આઈપીઓ આગામી નાણાંકીય વર્ષમાં ધકેલવાની સંભાવના છે. આ અંગે ટૂંક સમયમાં સતાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીએ 13 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા પાંચ ટકા હિસ્સાના વેચાણ માટે ડ્રાફટ ઓફર દસ્તાવેજ સેબી સમક્ષ ફાઈલ કર્યો હતો. નાણાંમંત્રી નિર્મલા સિતારામણે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીનમાં જણાવ્યું હતું કે, આઈપીઓ માટેની પ્રક્રિયા પહેલેથી જ ચાલુ છે અને અમે તેમાં આગળ વધવા માટે તૈયાર છે. પરંતુ, જ્યારે આટલી મોટી તિવ્રતાનું યુધ્ધ થઈ રહ્યું છે ત્યારે સમીક્ષા કરવી અનિવાર્ય બની ગઇ છે. એલઆઈસીના આઈપીઓનું કદ રૂા.63 હજાર કરોડ છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આટલું મોટું વેચાણ મુશ્કેલ થઈ શકે છે તેમજ પ્રતિબંધોએ રશિયન બજારને પણ નુકસાન પહોંચાડયું છે. જેની સીધી અસર ભારતીય બજાર પર પણ દેખાઈ રહી છે. ત્યારે હવે એલઆઈસીનો આઈપીઓ વૈશ્વિક સ્થિતિ થાળે પડયા બાદ એપ્રિલ અથવા તો મે માસમાં આવી શકે છે.