ઓખા મંડળના દરિયામાં બેટ દ્વારકા વિસ્તારમાં ચાલતી ફેરીબોટ માટે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા વિવિધ પ્રકારના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જે અંગેની તપાસ સમયાંતરે જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા વિસ્તારમાં ચાલતી ફેરીબોટોનું ચેકિંગ કરાતા આ પ્રકારની બોટમાં લાઈફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન હોવા, સીડી પર બોટ રાખીને અડચણ પેદા કરવા, વારો ન હોવા છતાં પેસેન્જરનું વહન કરવા સહિતની લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ એમ.એફ.બી. યા હુસેન, સુરજ, અલઝારા, ખુદુશ, અલ નિશાર, રામબાણ-2, ગંગાસાગર, ચંદ્ર સાગર અલ કિરમાણી અને દરિયા દોલત નામની જુદા જુદા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી 10 ફેરી સર્વિસ બોટના લાયસન્સ આઠ દિવસ માટે મોકૂફ કરતો હુકમ ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદર અધિકારી દ્વારા કરવામાં છે.
આ ઉપરાંત શરતોના ભંગ બદલ રૂપિયા 500 નો દંડ પણ ફટકારતો હુકમ થયો છે. બોટ સંચાલકોને બોટની કેપેસિટી મુજબના લાઈફ જેકેટ પોતાની સર્વિસ બોટમાં ઉપલબ્ધ કર્યા બાદ જ તેઓનો પરવાનો પુન: શરૂ કરવામાં આવશે તેમ આ નોટિસમાં વધુમાં જણાવાયું છે.