વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામીબિયાના આઠ ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા હતા. અહીં વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરાંમાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાઓને નામીબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા.
ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ એમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા. ચિત્તાઓના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ દેખાતો હતો.
Prime Minister Narendra Modi releases 8 wild cheetahs brought from Namibia, in the Kuno National Park. #CheetahIsBack #IndiaWelcomesCheetah #ProjectCheetah pic.twitter.com/DbP6cRMS5n
— All India Radio News (@airnewsalerts) September 17, 2022
ચિત્તા બહાર આવતાં જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશને શક્તિપ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું. 1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો. એ દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1952 માં આપણે ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા હતા, પરંતુ દાયકાઓ સુધી, તેમના પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા નહીં. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવામાં લાગી ગયો છે. અમે એવા કાર્ય પાછળ વર્ષોની શક્તિ ખર્ચી છે જેને કોઈ રાજકીય રીતે મહત્વ આપતું નથી. ચિત્તા એક્શન પ્લાન બનાવ્યો.
અમારા વૈજ્ઞાનિકોએ નામીબિયાના નિષ્ણાતો સાથે કામ કર્યું હતું. સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ નેશનલ કુનો પાર્કની શુભ શરૂઆત માટે પસંદગી કરવામાં આવી હતી. કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે. આગામી દિવસોમાં અહીં ઇકો ટુરીઝમ વધશે. રોજગારની નવી તકો વધશે. આજે દેશના તમામ દેશવાસીઓને વિનંતી કરવા માંગુ છું કે કુનોમાં ચિત્તા જોવા માટે થોડા મહિના ધીરજ રાખવી પડશે. ચિત્તા નવા ઘરમાં પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચ્યા હતા. તેઓ કુનો નેશનલ પાર્ક પહોંચી ગયા હતા. ઙખ મોદી અહીં ચિત્તાઓને પાર્કમાં છોડ્યા હતા. ભારતની 70 વર્ષની રાહ પૂરી થઈ છે. ચિત્તા શનિવારે સવારે નામિબિયાથી ભારત આવી પહોંચ્યા હતા. ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરા બહાર કાઢીને નિષ્ણાતો ચિત્તાઓનું નિયમિત ચેકઅપ કરાયું હતુ. આ પછી ચિત્તાઓને લઈને હેલિકોપ્ટર કુનો પહોંચ્યું હતું.
નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓમાંથી 3 ચિત્તાને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા.ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા હતા. આ લાકડાના પાંજરામાં હવા માટે ઘણાં ગોળાકાર છિદ્રો છે. પાંજરાને ટ્રોલી વડે ચિનૂક હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર ચિત્તાઓ સાથે કુનો નેશનલ પાર્ક પહોંચ્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતર્યું ત્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતુ.