દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે એક આસામી દ્વારા અન્ય વ્યક્તિની વાડી ભાગમાં વાવવા માટે રાખી, અને અહીં ચલાવતા જુગારના અખાડા પર જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં છ શખ્સોને કુલ રૂા.2.05 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા શ્રાવણી જુગાર સામે સ્થાનિક પોલીસ તથા એલસીબી પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગતરાત્રીના જિલ્લા એલસીબી વિભાગના પીઆઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા ખંભાળિયા તાલુકામાં હાથ ધરાયેલા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગત મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યે સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસીંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રહેતા મેર લખમણ અરજણભાઈ ગોરાણીયા નામના શખ્સ દ્વારા જામનગર રહેતા એક આસામીની વાડી ભાગીયા તરીકે રાખી, અહીં પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર એલસીબી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે જુગાર રમી રહેલા લખમણ અરજણભાઈ ગોરાણીયા, દેવશી દેવરખી ગાગલિયા, રાજસી જીવાભાઈ ચાવડા, દેવાયત વિક્રમ ચાવડા, નારણ નાથાભાઈ ચાવડા અને જેસા લાખાભાઈ ચાવડા નામના કુલ છ શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 1,20,230 રોકડા, રૂા.14,500 ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન તેમજ રૂા.70 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂા.2,04,730 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ શખ્સો સામે જૂગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એએસઆઈ ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
કાકાભાઈ સિંહણ ગામે જૂગારના અખાડા પર એલસીબી ત્રાટકી
રૂા. 2.05 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝબ્બે


