જામનગર શહેરમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા મળી હતી. જેમાં ખોડિયાર કોલોની અને સેનાનગર વિસ્તારમાં બે મકાનો સહિત ત્રણ મકાનમાંથી સાડા નવ લાખની ચોરી આચરનાર સેનાનગર જ શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધાની પોલીસ અધિક્ષકની પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગરમાં છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ત્રણ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતાં. જેમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં દિવ્યમ પાર્કમાં રહેતાં પ્રફુલ્લભાઈ રમણિકભાઈ ચૌહાણના મકાનમાંથી રૂા.5,21,500 ની માલમતાની ચોરી, સેનાનગર વિસ્તારમાંથી માયાબેન ચંદ્રાના મકાનમાંથી રૂા.3,92,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને સેનાનગરમાંથી રાકેશભાઈ રામાશંકરભાઈ સીંઘના મકાનમાંથી રૂા.30,500 ની ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે ઉત્તર પ્રદેશનો વતની અને હાલ ઢીચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેતો જ્ઞાનેન્દ્રસિંગ જગદીશસિંગ જાટ નામનો શખ્સ સંડોવાયેલો હતો.
આજે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં એલસીબીની ટીમે બાજરા સંશોધન કેન્દ્રના ગેઈટ પાસેથી ચોરાઉ મુદ્દામાલ સાથે પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, હેકો હાર્દિકભાઈ ભટ્ટ, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ધમેન્દ્રભાઈ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે જ્ઞાનેન્દ્રસિંગ જગદીશસિંગ જાટ નામના તસ્કરને ચોરાઉ મુદ્દામાલ સાથે દબોચી લઇ ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યાની વિગતો પોલીસ અધિક્ષકે આપી હતી.