જૂગાર દરોડાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શનિવારે મોડી રાત્રે જુગાર અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ, લાખાભાઈ પિંડારિયા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામની સીમમાં રહેતા અરજણ દેવાણંદ વાચા નામના ગઢવી શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેના અંગત આર્થિક ફાયદા માટે જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં પોલીસે પીપરીયા ગામના અરજણ દેવાણંદ ગઢવી, ભાડથર ગામના સામરા કરમણ રૂડાચ, પીપરીયા ગામના દેવાણંદ અજા વાચા, ગુલાબ નગર ટેકરી ખાતે રહેતા રાજા કરમણ રૂડાચ, હરદાસ રાણસી આસાતાણી, કેશવ લાખા આસાતાણી, અરજણ રાણા સંધીયા અને ધના અજા આસાતાણી નામના કુલ આઠ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 31,670 રોકડા તથા રૂપિયા 25,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 75,000 ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 131,170 નો મુદ્દામાલ કબજે કરી, આ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી ગળચર, બી.એમ. દેવમુરારી, મશરીભાઈ ભારવાડીયા, ભરતભાઈ જમોડ, લાખાભાઈ પિંડારિયા, દિનેશભાઈ, હસમુખભાઈ તથા અરજણભાઈ દ્વારા કરવામાં આવી હતી.