જામનગર શહેરમાં આવેલા સરદારનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢે તેના પુત્રને ચોરીમાં સંડોવણી સંદર્ભે ઠપકો આપતાં પુત્ર અને તેની પત્નિએ સાથે મળી પ્રૌઢ પિતાને ખાટલામાં દોરી વડે બાંધી દઇ ગળેટૂંપો આપી હત્યા નિપજાવ્યાના બનાવમાં એલસીબીની ટીમે હત્યારા પુત્રને અમદાવાદના બાવળા ગામમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેના સરદારનગર વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળના વતની શંકરદાસ બાવાજી નામના પ્રૌઢે તેનો પુત્ર સુનિલ અગાઉ ચોરીમાં ઝડપાઇ ગયો હોય અને ચોરી કરવાની કૂટેવ હોવાથી હાલમાં જ ચોરીમાં સંડોવાયેલો હોવાની શંકાના આધારે પિતાએ પુત્રને ચોરીની કૂટેવ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતાં કપાતર પુત્ર સુનિલે તેની પત્નિ સુનૈયના સાથે મળીને પિતા શંકરદાસને તેના ઘરે હાથપગ દોરી વડે બાંધી દઇ મોઢે ડુમો આપી ગળેટૂંપો દઇ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ દંપતિ ફરાર થઇ ગયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અનિલદાસ દ્વારા જાણ કરાતાં પોલીસે દંપતિ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પુત્ર દ્વારા હત્યા નિપજાવ્યાના બનાવ બાદ પોલીસે હત્યારા દંપતિની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, દોલતસિંહ જાડેજા, દિલીપ તલાવડીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી હતી.
દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક જામનગર-પાલનપુરની બસમાં મુસાફરી કરી રહેલા હત્યારા કપાતર પુત્ર સુનિલ શંકરભાઇ દાસ નામના શખ્સને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં. પોલીસે પૂછપરછ હાથ ધરતાં
સુનિલ સીટી-સી ડિવિઝનના ગોકુલનગર વિસ્તારમાં બે દુકાનોના તાળા તોડી ચોરીમાં તથા વર્ષ 2018માં ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો. એલસીબીની ટીમે સુનિલની ધરપકડ કરી સીટી-સી ડિવિઝન પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફને કબજો સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે સુનિલના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.